૨૮૧ નંગ નકલી આર.સી.બુક સહિતના મુદ્દામાલ સાથે ચાર શખ્સની ધરપકડ

ભાવનગર તા.૧૩
ફાઇનાન્સ કંપની દ્વારા સીઝ કરવામાં આવેલા વાહનોની હરરાજીમાં ખરીદ કરેલા વાહનો બોગસ આર.સી. બુકના આધારે વેચી મારવાના કૌભાંડનો ભાવનગર પોલીસે પર્દાફાશ કરી પ ચાર શખ્સને ૨૮૧ નંગ નકલી આર.સી.બુક સાથે ઝડપી લઇ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
ભાવનગર પોલીસની પેરોલ ફર્લો સ્ક્વોડના હેડ કોન્સ્ટેબલ પ્રદિપસિંહ ગોહિલને બાતમી રાહે હકીકત મળી હતી કે, નારી ચોકડી અને વરતેજ વચ્ચે આવેલ પાવર હાઉસ સામે કન્ટેનરમાં શ્રીજી મોટર્સ નામની ઓફિસમાં જુના વાહનોની લે વેચ કરનાર હિમાંશુ હર્ષદભાઈ જગડ રહે. ભાવનગર વાળો વાહનોની લે-વેચની આડમાં ડુપ્લીકેટ આર.સી. બુક બહારગામના કોઈ આર.ટી.ઓ એજન્ટ પાસે બનાવડાવી આ બોગસ આરસી બુકના આધારે વાહનોની લે વેચ કરે છે. જે બાતમીના આધારે એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે આર.ટી.ઓ.અધિકારીને સાથે રાખી વરતેજ જી.ઈ.બી. સબ સ્ટેશન સામે આવેલ શ્રીજી મોટર્સ નામની વાહન લે વેચની ઓફિસમાં દરોડો પાડી ૧૬ નંગ ચીપ વાળી આર.સી. બુક સાથે એક શખ્સને ઝડપી લીધો હતો.
આ શખ્સ પાસેથી કબજે લીધેલ આર.સી.બુક આર.ટી.ઓ. અધિકારી પાસે પી.ઓ.એસ. મશીનમાં વેરીફાઈ કરાવતા ૧૬ પૈકી ૧૧ આર.સી. બુક બનાવટી હોવાનું અને એક આર.સી. બુક કોરી મળી આવી હતી.
ઝડપાયેલા આરોપીને પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે, ફાઇનાન્સ કંપનીઓ દ્વારા સીઝ કરવામાં આવેલા વાહનોની હરરાજીમાં ખરીદી કરી તેની બનાવટી આર.સી. બુકો બનાવી અને વાહનો વેચી નાખતા હતા.
એલ.સી.બી. અને પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે ૨૮૧ નંગ આર.સી. બુક (સ્માર્ટ કાર્ડ ), પાંચ મોબાઇલ, બે લેપટોપ અને એક પ્રિન્ટર સાથે હિમાંશુ હર્ષદભાઈ જગડ રહે. અક્ષરદીપ કોમ્પ્લેક્સ, સંસ્કાર મંડળ ચોક,ભાવનગર, યાસીન મુસ્તુફા મેમણ રહે. ધોળકા અફઝલ મુસ્તુફાભાઈ મેમણ રહે. ધોળકા અને ઋત્વિક પ્રકાશચંદ્ર મોદી રહે. એસ.જી. હાઇવે, ગોતા, અમદાવાદ વાળાની ધરપકડ કરી તમામ વિરુદ્ધ આઈપીસી કલમ ૪૦૬,૪૨૦, ૪૬૫,૪૬૭,૪૬૮,૪૭૧,૧૨૦(બી) અને ૩૪ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસે ઝડપાયેલા આરોપીઓને કોર્ટમાં રજૂ કરી આ કૌભાંડમાં અન્ય શખ્સોની સંડોવણી સહિતની બાબતો ચકાસવા રિમાન્ડની માંગણી કરવામાં આવનાર છે.






