મામકોઠા રોડ પર આવેલ શારદા કૃપા એસ.ટી.ડી.અને કુમુડવાડીમાં આવેલ ચોઇસ મોબાઈલ શોપના સંચાલક વિરુદ્ધ ગુનો નોંધાયો
ભાવનગર તા.૧૩
ભાવનગરમાં અન્ય વ્યક્તિના ડોક્યુમેન્ટ મેળવીને તેના આધારે જી.એસ.ટી. નંબર મળવી લઈને કૌભાંડ આચરવામાં આવતું હોવાનું પ્રકાશમાં આવ્યા બાદ હવે લોકોના આધારકાર્ડનો દુરુપયોગ કરીને કસ્ટમર એપ્લિકેશન ફોર્મમાં અન્ય વ્યક્તિનો ફોટો જોડી અન્ય વ્યક્તિઓના નામે મોબાઈલ સીમકાર્ડ ઇસ્યુ કરવાંનું કારસ્તાન બહાર આવતા સીમકાર્ડનું વેચાણ કરતા બે વેપારી વિરુદ્ધ ગંગાજળિયા અને બોરતળાવ પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
જી.એસ.ટી. કૌભાંડનું હબ બની ગયેલા ભાવનગરમાં અન્ય વ્યક્તિઓના ડોક્યુમેન્ટ મેળવીને તેના આધારે જી.એસ.ટી. નંબર મેળવ્યા બાદ બોગસ બિલ્ડિંગનો કારોબાર કરી ખોટી વેરા શાખ મેળવી સરકાર સાથે છેતરપિંડી થતી હોવાનું કૌભાંડ પ્રકાશમાં આવ્યા બાદ ભાવનગર અને પાલીતાણા પોલીસ મથકમાં ગુના દાખલ થયા હતા અને આ કૌભાંડની તપાસ અંગે ‘સીટ’ની પણ રચના કરવામાં આવી હતી.
દરમિયાન જી.એસ.ટી. કૌભાંડની માફક જ અન્ય વ્યક્તિના આધારકાર્ડનો ઉપયોગ કરીને અન્ય વ્યક્તિનો ફોટો જોડી મોબાઈલ સિમ કાર્ડ ઇસ્યુ કરવાનું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. આ અંગે ભાવનગર એસ.ઓ.જી. શાખાની સૂચનાથી બોરતળાવ અને ગંગાજળિયા પોલીસ મથકમાં બે વેપારીઓ વિરુદ્ધ ગુના દાખલ કરવામાં આવ્યા છે.
ભાવનગરના મામા કોઠા રોડ પર આવેલ શારદા કૃપા એસ.ટી.ડી. નામે સેન્ટર ચલાવતા અને સીમકાર્ડ વેચવાનું, તેમજ મોબાઇલ રિચાર્જ, ડીશ ટી.વી. રિચાર્જ અને ઝેરોક્ષનું કામ કરતા ઘનશ્યામભાઈ જીવણભાઈ વાજા રહે. કરચલીયાપરા વિરુદ્ધ મામા કોઠા રોડ વિસ્તારમાં રહેતા યોગેશભાઈ છગનભાઈ ચૌહાણ એ એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, તેઓ શારદા કૃપા એસ.ટી.ડી.માં ઝેરોક્ષ કરાવવા ગયા ત્યારે તેમની જાણ બહાર તેમના ડોક્યુમેન્ટની કોપીઓ મેળવી લઈ મોબાઈલ સીમકાર્ડ માટેના એપ્લિકેશન ફોર્મમાં તેમના આધાર કાર્ડના ફોટાનો ઉપયોગ કરી, કે.વાય.સી. ફોર્મમાં તેમના બદલે અન્ય વ્યક્તિનો ફોટો અપલોડ કરી અન્યના નામે સીમકાર્ડ મેળવી લઈને તેમની સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી હતી.
આ દુકાનદારે યોગેશભાઈ ચૌહાણ ઉપરાંત સુરેશભાઈ રવજીભાઈ ચૌહાણ રહે. કણબીવાડ, અક્ષય રમેશભાઈ દેગામા રહે. કરચલીયાપરા, જયેન્દ્રભાઈ ઘનશ્યામભાઈ પરમાર રહે. કરચલીયાપરા, ફાલ્ગુનીબેન અશ્વિનભાઈ ભટ્ટ રહે. ઘોઘાસર્કલ, મિતાલીબેન મિતેશભાઇ પટેલ રહે. કણબીવાડ, વિશાલ કીર્તિકુમાર શાહ રહે. કરચલીયાપરા, ઈશ્વરભાઈ મનસુખભાઈ મકવાણા રહે. કરચલીયાપરા, સંદીપ અનિલભાઈ ભાદાણી રહે. કણબીવાડના ડોક્યુમેન્ટ પણ કોઈ રીતે મેળવી તે ડોક્યુમેન્ટના આધારે અન્ય વ્યક્તિના નામે સીમકાર્ડ મેળવવા ઉપયોગ કરવાનું ખુલ્યુ હતું.
આ ઉપરાંત ભાવનગરના બોરતળાવ પાસે આવેલ કુમુડવાડીમાં ચોઈસ મોબાઈલ શોપના સંચાલકે પણ કુંભારવાડા વિસ્તારમાં રહેતા રત્નકલાકાર સુનિલભાઈ સવજીભાઈ રાઠોડના આધાર કાર્ડનો ઉપયોગ કરીને અન્ય વ્યક્તિના નામે સીમ કાર્ડ ઇસ્યુ કરી છેતરપિંડી અને ખોટા દસ્તાવેજનો ખરા તરીકે ઉપયોગ કરતા બોરતળાવ પોલીસે ગુનો દાખલ કર્યો હતો. ચોઇસ મોબાઇલ શોપના સંચાલકે સુનિલભાઈ રાઠોડ ઉપરાંત મયુર ઘનશ્યામભાઈ ભીંગરાડિયા રહે. કુંભારવાડા અને અશ્વિનભાઈ સુરેશભાઈ પરમાર રહે. ચિત્રા ના ડોક્યુમેન્ટનો પણ દુરુપયોગ કરી સીમકાર્ડ ઇસ્યુ કર્યા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે.





