ભાવનગર તા.૧૭
ભાવનગરના અધેવાડા ગામ નજીક રખડતા ઢોરે એડફેટે લેતા ભાવનગરની મહિલાનું ગંભીર ઇજા થવાથી મોત નીપજ્યું હતું.
ભાવનગર મહાનગરપાલિકા દ્વારા રખડતા ઢોર પકડવાની કામગીરીમાં ઢીલાશ રાખવામાં આવતા શહેરમાં ફરી જાહેર રોડ ઉપર ઢોર ફરી રહ્યા છે. અગાઉ રખડતા ઢોરોએ અનેક લોકોને અડફેટે લીધા હોવાના કિસ્સાઓ નોંધાયા છે ત્યારે ઢોરના કારણે વધુ એક મહિલાનું મોત નીપજ્યું છે.
ભાવનગરના ઘોઘા જકાતનાકા વિસ્તારમાં રહેતા પંકજભાઈ શિયાળ અને તેમના પત્ની કાજલબેન ગત તા.૧૧ ના રોજ ભડી ગામમાં માતાજીના મંડવામાં ગયા હતા અને ત્યાંથી બાઈક ઉપર પરત ભાવનગર આવી રહ્યા હતા ત્યારે અધેવાડા ગામમાં ઝઘડી રહેલા આખલાઓએ બાઇકને અડફેટે લેતા કાજલબેનને ગંભીર ઇજા થતાં તેમને સારવાર અર્થે પ્રથમ ભાવનગર અને ત્યાર બાદ અમદાવાદ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા,જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
આ બનાવના પગલે પરિવારમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી,જ્યારે પરિવારના બે માસૂમ બાળકો હર્ષ ( ઉં. વ.૭ ) અને ત્રિશા ( ઉં. ૭ માસ ) એ માતાની છત્રછાયા ગુમાવી છે.



