ભાવનગરના ચકચારી ડમીકાંડમાં પોલીસે પાઠવેલા સમન્સનો જવાબ આપવા ભાવનગર આવી પહોંચેલા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાની તબિયત લથડતા તેમને પોલીસ સમક્ષ હાજર થવા માટે દસ દિવસનો સમય માગ્યો હોવાનું તેમના પત્નીએ ટ્વિટ કરી જાહેર કર્યું હતું.
ભાવનગરના ચકચારી ડમીકાંડમાં ગઈકાલે ભાવનગર પોલીસ વિભાગના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા આ કૌભાંડને ઉજાગર કરનાર યુવા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાને સમન્સ પાઠવી આજે બપોરે એસ.ઓ.જી. શાખા ખાતે હાજર થવા ફરમાન કર્યું હતું. પોલીસ દ્વારા પાઠવવામાં આવેલ સમન્સના પગલે યુવરાજસિંહ જાડેજા આજે વહેલી સવારે ભાવનગર આવી પહોંચ્યા હતા અને મીડિયા સમક્ષ નિવેદન પણ આપ્યું હતું, ત્યારબાદ તેમની તબિયત લથડતા એસ.ઓ.જી.ના પી.આઇ પાસે દસ દિવસનો સમય માંગ્યો હોવાનું જાણવા મળેલ છે.
યુવરાજસિંહ એ એસ.ઓ.જી. પોલીસ ઇન્સ્પેક્ટરને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, આજે સવારે તેમની તબિયત લથડતા અને ચક્કર આવી જતા હાલ તેઓ સમન્સમાં જણાવેલ સમય અને સ્થળે હાજર રહી શકે તેમ ન હોય, આ સમન્સનો જવાબ આપવા માટે દસ દિવસની મુદત આપવા જણાવ્યું છે.
ઉલ્લેખનીય છે કે યુવરાજસિંહ જાડેજાને સમન્સ પાઠવવામાં આવ્યા બાદ આજે સવારે જ તેઓ ભાવનગર આવી પહોંચ્યા હતા અને બપોરે ૧૨ કલાકે પોલીસ સમક્ષ હાજર થશે તેવી ધારણા ના પગલે એસ.પી. કચેરી ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો, તેમજ પત્રકારો અને મીડિયાકર્મીઓને પણ કચેરીના મુખ્ય દરવાજા પાસે અટકાવી દેવામાં આવ્યા હતા. લાંબો સમય રાહ જોયા બાદ આખરે યુવરાજસિંહ પોલીસ સમક્ષ હાજર નહીં થાય તે અંગે કરેલી લેખિત રજૂઆતની તેમના પત્નીએ ટ્વિટ કરીને જાણકારી આપી હતી.



