બાબા કેદારનાથ મહાદેવના દર્શનની આતુરતાનો આજે અંત આવ્યો છે. કારણે કે આજે ખુલી ગયા છે, બાબાના મંદિરના કપાટ. કેદારનાથ ધામના કપાટ આજે મંગળવારે સવારે 6.20 મિનિટે શ્રદ્ધાળુઓ માટે ખોલી દેવામાં આવ્યા. કપાટોદ્ઘાટનના શુભ અવસર પર કેદારનાથ મંદિરને 35 ક્વિન્ટલ ફૂલોથી શણગારવામાં આવ્યું છે. લગભગ આઠ હજાર જેટલા ભક્તો કપાટોદ્ઘાટનના શુભ મુહૂર્તના સાક્ષી બન્યા. બાબા કેદારનાથના મંત્રોચ્ચારથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.
સવારે 5 વાગ્યાથી જ કપાટ ખોલવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ હતી. આ પછી વહીવટી તંત્ર દ્વારા રાવલ અને શ્રી બદ્રીનાથ કેદારનાથ મંદિર સમિતિના પદાધિકારીઓની હાજરીમાં મંદિરના કપાટ ખોલવામાં આવ્યા હતા. સવારે 6.20 કલાકે કેદારનાથ ધામના કપાટ ખોલવામાં આવ્યા હતા. આ દરમિયાન ભક્તો ઢોલ-નગારાંના તાલે ભગવાન શિવની ભક્તિમાં મગ્ન જોવા મળ્યા હતા. ભક્તો ભોલેનાથ કી જય, હર હર મહાદેવ જેવા નારા શ્રદ્ધાપૂર્વક લગાવતા જોવા મળ્યા હતા.
કેદારનાથ ધામના કપાટ ખુલ્યા બાદ મંદિરના મુખ્ય પૂજારી જગદગુરુ રાવલ ભીમ શંકર લિંગ શિવચાર્યએ ગર્ભગૃહમાં ભગવાન કેદારનાથની વિશેષ પૂજા-અર્ચના કરી હતી. આ તકે મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી પણ હાજર રહ્યા હતા. તેમણે બાબાના ચરણોમાં શીશ ઝૂકાવી આશીર્વાદ લીધા હતા.
બાબા કેદારનાથની પંચમુખી ચલ વિગ્રહ ડોલી ગઈકાલે સોમવારે જ કેદારનાથધામમાં પહોચી ગઈ હતી. બાબાના મંદિરને 35 કવિંટલ ફુલોથી શણગારવામાં આવ્યું છે. થોડી થોડી વારે બરફની વર્ષા થઈ રહી છે. તો પણ કપાટ ખુલવાની સાક્ષી રૂપે અડગ મને શ્રદ્ધાળુઓ બાબાના ધામમાં પહોંચી ગયા હતા.
29 એપ્રિલ સુધી બરફ વર્ષાની આગાહી

હવામાન વિભાગે 29 એપ્રિલ સુધી બરફવર્ષાની આગાહી આપવામાં આવી હતી. તેના કારણે ઉત્તરાખંડ સરકાર દ્વારા કેદારનાથ માટે નોંધણીની પ્રકિયા 30 એપ્રિલ સુધી બંધ કરવામાં આવી છે. પરંતુ તંત્ર દ્વારા ઋષિકેશ, ગૌરીકુંડ, ગુપ્તકાશી અને સોનપ્રયાગના યાત્રિકોને ત્યાજ રોકાવાનું કહેવામાં આવ્યું છે. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ ચારધામ યાત્રાને લઈ જણાવ્યું હતું કે, ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે શ્રદ્ધાળુ વધારે આવશે. આવનાર તમામ શ્રદ્ઘાળુ માટે જરૂરી તમામ વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી છે. એક બાજુ બાબાના કપાટ ખુલ્યા છે અને બીજી તરફ ખરાબ હવામાનને કારણે પોલીસ યાત્રાળુઓને ઋષિકેશમાં જ રોકાવવા જણાવામાં આવી રહ્યું છે. કેદારનાથ મહાદેવના કપાટ ખુલતાની સાથે ભક્તોની આતુરતાનો અંત આવ્યો છે.






