ટોક્યો ઓલિમ્પિકના ગોલ્ડ મેડાલિસ્ટ નીરજ ચોપરા જંતર-મંતર પર વિરોધ કરી રહેલા કુસ્તીબાજોના સમર્થનમાં સામે આવ્યા છે. તેણે કહ્યું હતું કે રમતવીરોને આ રીતે રસ્તાઓ પર ન્યાયની માંગ કરતા જોઈને દુઃખ થયું છે. દિલ્હીના જંતર-મંતર પર પ્રખ્યાત કુસ્તીબાજો ફરી એકવાર રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ બ્રિજ ભૂષણ શરણ સિંહ સામે ધરણા પર બેઠા છે. વિરોધમાં સામેલ બજરંગ પુનિયા, વિનેશ ફોગાટ, સાક્ષી મલિક જેવા ખેલાડીઓએ બ્રિજ ભૂષણ શરણ સિંહ પર મહિલા ખેલાડીઓ દ્વારા જાતીય સતામણીનો આરોપ લગાવ્યો છે.
આ કુસ્તીબાજોના સમર્થનમાં નીરજ ચોપડાએ આજે સવારે ટ્વીટ કરીને લખ્યું હતું કે અમારા એથ્લેટ્સને ન્યાયની માંગ કરતા રસ્તાઓ પર જોઈને મને દુઃખ થયું છે. આ રમતવીરોએ આપણા મહાન રાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કરવા અને આપણને ગૌરવ અપાવવા માટે સખત મહેનત કરી છે. એક રાષ્ટ્ર તરીકે, અમે દરેક વ્યક્તિની અખંડિતતા અને ગૌરવની સુરક્ષા માટે જવાબદાર છીએ, પછી ભલે તે રમતવીર હોય કે ન હોય. તેણે આગળ લખ્યુ હતું કે જે થઈ રહ્યું છે તે ક્યારેય ન થવું જોઈએ. આ એક સંવેદનશીલ મુદ્દો છે અને તેનો નિષ્પક્ષ અને પારદર્શક રીતે નિકાલ થવો જોઈએ. આ સંબંધિત અધિકારીઓએ ન્યાય સુનિશ્ચિત કરવા માટે તાત્કાલિક પગલાં લેવા જોઈએ.
આ પહેલા ગુરુવારે ભારતીય ઓલિમ્પિક સંઘના પ્રમુખ પી.ટી ઉષાએ કહ્યું હતું કે અમે માનીએ છીએ કે જાતીય સતામણીની ફરિયાદો માટે ૈંર્ંછ અને એથ્લેટ્સ કમિશનમાં એક સમિતિ છે. તેમણે રસ્તા પર જવાને બદલે અમારી પાસે આવવું જોઈતું હતું . આ નિવેદન બાદ બજરંગ પુનિયાએ કહ્યું હતું કે જ્યારે મને પી.ટી ઉષા મેડમની ટિપ્પણી વિશે ખબર પડી ત્યારે મને દુઃખ થયું હતું. અમે તેમને એક સારી એથ્લેટ માનીએ છીએ. એક મહિલા હોવાને કારણે તે મહિલાઓની પીડાને સમજી શકતી ન હતી. છેલ્લા ત્રણ મહિનાથી અમે ન્યાયની રાહ જોઈ રહ્યા છીએ અને હવે તેઓ તેને અનુશાસનહીન કહી રહ્યા છે. મને લાગે છે કે એક મહિલા હોવા છતાં પણ તે ખેલાડીઓની દુર્દશા સમજી રહ્યા નથી તેનું મને દુઃખ થાય છે.






