ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતોમાં મોટી રાહત આપી છે. કંપનીઓએ 1 મે થી એટલે કે આજથી કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં 171.50 રૂપિયાનો ઘટાડો કર્યો છે. આજથી દેશની રાજધાની દિલ્હીમાં 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમત 1856.50 રૂપિયા થઈ ગઈ છે. નોંધનીય છે કે, ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
આ પહેલા 1 એપ્રિલના રોજ કોમર્શિયલ રાંધણ ગેસ સિલિન્ડરના ભાવમાં 91.50 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. આ રીતે જોવામાં આવે તો કોમર્શિયલ રાંધણ ગેસ સિલિન્ડર બે મહિનામાં 263 રૂપિયા સસ્તું થઈ ગયું છે. દર મહિનાની પહેલી તારીખે પેટ્રોલિયમ કંપનીઓ રાંધણ ગેસના નવા ભાવ નક્કી કરે છે.
આજથી કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમત કોલકાતામાં 1960.50 રૂપિયા, મુંબઈમાં 1808.50 રૂપિયા અને ચેન્નાઈમાં 2021.50 રૂપિયા થઈ ગઈ છે. 1 મે, 2022ના રોજ, દિલ્હીમાં કોમર્શિયલ એલપીજી સિલિન્ડર રૂ. 2355.50માં ઉપલબ્ધ હતું. આજે ભાવ ઘટીને રૂ.1856.50 થયો છે. એટલે કે છેલ્લા એક વર્ષમાં કોમર્શિયલ એલપીજી સિલિન્ડર 499 રૂપિયા સસ્તું થયું છે.


