અમેરિકાના ઓહિયો રાજ્યના ગ્રેટર ક્લીવલેન્ડ વિસ્તારમાં આવેલા શ્રી સ્વામિનારાયણ હિન્દુ મંદિર પર ઉપદ્રવીઓ દ્વારા ઈંટોથી હુમલો કરવામાં આવ્યો હોવાની એક અત્યંત ચિંતાજનક ઘટના સામે આવી છે. આ હુમલો થયો ત્યારે મંદિરની અંદર પૂજારી અને અનેક શ્રદ્ધાળુઓ હાજર હતા. ‘કોએલિશન ઓફ હિન્દુઝ ઓફ નોર્થ અમેરિકા’ સંસ્થાના જણાવ્યા અનુસાર, આ ઘટના શુક્રવાર બપોરની છે, જેમાં ઓહિયોના રિચમંડ હાઈટ્સમાં સ્થિત ‘શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ’ને નિશાન બનાવવામાં આવ્યું હતું.
હુમલાખોરોએ મંદિર પર ઈંટો ફેંકી હતી, જેના કારણે મંદિરની બારીના કાચ તૂટી ગયા હતા. જો કે, રાહતની વાત એ રહી કે હુમલાના સમય દરમિયાન કોઈ વ્યક્તિ ઈજાગ્રસ્ત થયાના અથવા કોઈને ગંભીર ઈજા પહોંચ્યાના તાત્કાલિક કોઈ સત્તાવાર અહેવાલ સામે આવ્યા નથી. CoHNA સંસ્થા દ્વારા આ કાયરતાપૂર્ણ ઘટનાની સખત શબ્દોમાં નિંદા કરવામાં આવી છે. સંસ્થાએ રિચમંડ હાઈટ્સના મેયર કિમ થોમસ અને સ્થાનિક પોલીસ પ્રશાસન સમક્ષ આ પ્રકારની કટ્ટરતા સામે અવાજ ઉઠાવવા તેમજ દોષિતો સામે વહેલી તકે કડક પગલાં લેવાની માંગણી કરી છે. હાલ આ મામલે કોઈ સંદિગ્ધની ઓળખ કે ધરપકડ થયાની સત્તાવાર પુષ્ટિ થઈ નથી.
સંસ્થાએ દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું છે કે આ હુમલો એવા સમયે થયો છે જ્યારે અમેરિકામાં હિન્દુ સમુદાયના લોકો ‘હિન્દુ હેરિટેજ મંથ’ની ઉજવણીની શરૂઆત જ કરી રહ્યા છે અને ટૂંક સમયમાં જ નવરાત્રીનો પવિત્ર તહેવાર પણ આવનાર છે.





