આઈપીએલ માટે રવિવાર ‘સુપર સન્ડે’ રહ્યો હોય તેવી રીતે એક મોટો કીર્તિમાન સ્થાપિત થઈ ચૂક્યો છે. ગઈકાલે ટૂર્નામેન્ટના ઈતિહાસનો 1000મો મુકાબલો રમાયો હતો. આ જ દિવસે એક નવો અધ્યાય પણ લખાયો છે જે અત્યાર સુધીની 15 સીઝનમાં નથી લખાયો. આઈપીએલમાં એક જ દિવસની અંદર 800થી વધુ રન બન્યા જે ઘટના પહેલીવાર આકાર લઈ જવા પામી છે.
ગઈકાલે રમાયેલી બે મેચમાં 400-400થી વધુ રન બન્યા હતા મતલબ કે ચારેય ટીમે 200 રન ઝૂડ્યા હતા. રનોના વરસાદની શરૂઆત ચેન્નાઈ સુપરકિંગ્સે કરી હતી. ચેન્નાઈએ પંજાબ વિરુદ્ધ 200 રન બનાવ્યા હતા તો જવાબમાં પંજાબની ટીમે આ લક્ષ્યાંકને અંતિમ બોલે હાંસલ કર્યો અને 201 રન બનાવીને મેચ પોતાના નામે કરી લીધી હતી. આ પછી ટૂર્નામેન્ટની 1000મી મેચ હતી. આ મેચમાં રાજસ્થાન રોયલ્સે પહેલાં બેટિંગ કરતાં 212 રનનો વિશાળ સ્કોર ઉભોકર્યો હતો.
આ વિશાળ સ્કોરને મુંબઈ ઈન્ડિયન્સે ધરાશાયી કરી દીધો હતો. મુંબઈની ટીમે 19.3 ઓવરમાં 214 રન બનાવીને મેચ જીતી લીધી હતી. આ રીતે કુલ ચારેય ટીમોએ 200થી વધુ રનનો સ્કોર બનાવ્યો હતો. આવું પહેલીવાર બન્યું હતું જ્યારે એક જ દિવસમાં ચારેય ટીમોએ ઉપલબ્ધીને પોતાના નામે કરી છે.
આઈપીએલમાં એક જ દિવસમાં 827 રન બન્યા જે પણ એક ઈતિહાસ છે. ખાસ વાત એ હતી કે આઈપીએલની પહેલી મેચમાં પણ સદી લાગી હતી અને 1000મી મેચના દિવસે પણ સદી જોવા મળી છે. ટૂર્નામેન્ટના ઈતિહાસના પ્રથમ મેચમાં બ્રેન્ડન મેક્કયુલમે કોલકત્તા નાઈટ રાઈડર્સ વિરુદ્ધ સદી બનાવી હતી. જ્યારે રાજસ્થાન રોયલ્સના યશસ્વી જયસ્વાલે પણ સદી બનાવી હતી. જો કે એ મેચમાં તેની ટીમને પરાજય મળ્યો છે.





