ભાવનગર, તા.૨
સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાત ભરમાં ત્રણ દિવસ માટે ભારે પવન સાથે કોમસમી વરસાદની રાજ્યના હવામાન વિભાગ દ્વારા કરેલી આગાહીના પગલે સર્વત્ર ભારે વરસાદ પડ્યો હતો જેના કારણે ભર ઉનાળે અનેક વિસ્તારોમાં નદીઓ વહી હતી. જ્યારે ખેડૂતોને કેરી, જીરું, બાજરી સહિતના પાકોને ભારે નુકસાનીનો સામનો કરવો પડ્યો છે. આંબા પર રહેલી કેરીઓ ખરી જવા પામી છે. જેના કારણે ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. ભાવનગર જિલ્લાના ગ્રામ્ય પંચકોમાં ખાસ કરીને તળાજા, મહુવા, સિહોર પંથકના ખેડૂતોને વ્યાપક નુકસાનીનો સામનો કરવાનો વારો આવ્યો છે.

રાજ્યના હવામાન વિભાગ દ્વારા સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતની સાથોસાથ ભાવનગર શહેર તથા જિલ્લામાં 29 એપ્રિલથી 1 મે દરમિયાન ત્રણ દિવસ માટે વરસાદ પડવાની કરેલી આગાહીના પગલે પ્રથમ દિવસે જ શહેરમાં ધોધમાર વરસાદ પડ્યા બાદ ત્રણે દિવસ જિલ્લાના અલગ અલગ તાલુકાઓમાં ભારે વરસાદ પડ્યો હતો. ભાવનગર જિલ્લાના શિહોર, પાલીતાણા, તળાજા અને મહુવા પંથકમાં ભારે પવન સાથે તોફાની વરસાદ પડ્યો હતો જેના કારણે ભર ઉનાળે રસ્તા પર નદીઓ વહેતી થઈ ગઈ હતી. જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી.

ભાવનગર જિલ્લાના શિહોર તથા તળાજા પંથકમાં ભારે પવન અને ગાજવીજ સાથે પડેલા વરસાદથી ખેડૂતોને વ્યાપક નુકસાન થવા પામ્યું છે જેમાં અગાઉ માવઠાથી બચી ગયેલી કેરીઓ આ વખતે આંબા પરથી ખરી જવા પામી હતી આ ઉપરાંત જીરુંને પણ વ્યાપક નુકસાન થવા પામ્યું છે. ત્યારે ખેડૂતો દ્વારા નુકસાની નો વળતર આપવાની પણ માંગ ઉઠવા પામી છે.



