ગુજરાત સરકાર બંધ બારણે ગૂપચૂપ રીતે વીજળીના દરોમાં ભાવ વધારો કરી રહી છે. એફપીપીએ એટલે કે ફ્યુઅલ સરચાર્જના નામે ફરી ભાવવધારો કરવામા આવ્યો છે. ગુજરાતમાં મહિને 200 યુનિટ વાપરતા રહેણાંકના ગ્રાહકો પાસેથી ઉત્તરોઉત્તર વધુ નાણાં વસૂલવામાં આવી રહ્યાં છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, મધ્યમ અને નાના પરિવારો પાસેથી દર મહિને 138 રૂપિયા વધુ વસૂલવામાં આવી રહ્યાં છે. આ ગ્રાહકો પાસેથી એપ્રિલ, 2022 ના મહિનામાં આ ભાવ વસૂલવામાં આવ્યો છે. જેમાં 200 યુનિટ વાપરતા સરકારી ગ્રાહકો પાસેથી ફિકસ્ડ ચાર્જ પેટે રૂપિયા 70, એનર્જિ ચાર્જ પેટે રૂપિયા 743 અને ફ્યુઅલ સરચાર્જ પેટે યુનિટ દીઠ રૂપિયા 2.50 લેખ 500 વસૂલવામાં આવ્યા છે. આમ, કુલ મળીને 1313 રૂપિયા ગ્રાહકોના ખિસ્સામાંથી સરકારે ખંખેરી લીધા છે.
વર્ષ 2023 ના એપ્રિલ મહિનાની વાત કરીએ તો, ફિક્સ ચાર્જ અને એનર્જિ ચાર્જ યથાવત છે, પરંતુ ફ્યુઅલ ચાર્જ યુનિટ દીઠ રૂપિયા 3.10ને કારણે 120 રૂપિયા વધી ગયા છે. આમ, એક જ વર્ષમાં એક મહિનામાં 200 યુનિટ વાપરનારાઓને સીધો 138 રૂપિયાનો વધારો સહન કરવો પડે છે. એપ્રિલ 2022 માં 15 ટકા ઈલેક્ટ્રિસિટી ડ્યુટી તરીકે જે 137 રૂપિયા ચૂકવવા પડતા હતા, તે એક વર્ષના ગાળા બાદ એપ્રિલ, 2023 માં 215 થઈ ગયા છે. ગત વર્ષે જે વીજળી 7.55 રૂપિયાના ભાવે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારને મળતી હતી, તે હવે 8.27 રૂપિયાના ભાવે મળે છે. જે સીધો 9 ટકા ભાવ વધારો બતાવે છે.