ભારતીય બૉક્સરોએ તાશ્કંદમાં રમાઈ રહેલી વર્લ્ડ બૉક્સિગં ચેમ્પિયનશિપમાં ઈતિહાસ રચી દીધો છે. ચેમ્પિયનશિપમાં ભારતના ત્રણ મેડલ પાક્કા થઈ ગયા છે. એવું પહેલીવાર બન્યું છે જ્યારે ભારતે એક સીઝનમાં આટલા મેડલ પોતાના નામે કર્યા હોય. અહીં નિશાંત દેવ, મોહમ્મદ હુસામુદ્દીન અને દીપક ભોરિયાએ પોતપોતાની વેઈટ કેટેગરીના ક્વાર્ટર ફાઈનલ મુકાબલા જીતીને સેમિફાઈનલમાં પ્રવેશ મેળવી લીધો છે.
ટૉપ-4માં પ્રવેશ કરતાં આ ત્રણેયના મેડલ નિશ્ર્ચિત છે કેમ કે બૉક્સિગંમાં ચાર ખેલાડીઓને મેડલ મળે છે. મતલબ કે એક બ્રૉન્ઝ મેડલ પણ અપાય છે. ત્રણેય બૉક્સરો પોતપોતાની સેમિફાઈનલ બાઉટ આવતીકાલે રમશે. હજુ સુધી આ ટૂર્નામેન્ટમાં ભારત એક પણ ગોલ્ડ મેડલ જીતી શક્યું ન હોય આ વખતે મેડલ આવે છે કે કેમ તેના પર સૌની નજર રહેશે.
આ ટૂર્નામેન્ટમાં 104 દેશોના અંદાજે 640 બૉક્સરો ભાગ લઈ રહ્યા છે જેમાં સાત ડિફેન્ડિંગ વર્લ્ડ ચેમ્પિયન પણ સામેલ થશે જેમાં ફ્રાન્સના સોફિયાન ઓઉમિહા, જાપાનના ટોમોયા ત્સુબોઈ અને સિવોન્રેટસના ઓકાઝાવા સહિતનો સમાવેશ થાય છે.






