ઉત્તર-પૂર્વી અરબી સમુદ્રમાં સર્જાયેલુ અને ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકનારૂ બિપરજોય ચક્રવાતનો અત્યાર સુધીમાં ક્યારેય ના જોવાયેલો ભયાનક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો અવકાશમાં 400 કિલોમીટર ઉપરથી લેવામાં આવ્યો છે. જેમાં બિપરજોયનું મહાભયાનક સ્વરૂપ દેખાઈ રહ્યું છે. જેને કારણે લોકોમાં ભારે ફફડાટ ફેલાયો છે.
ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનએ તાજેતરમાં જ ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકનારા બિપરજોય ચક્રવાતના ફૂટેજ જારી કર્યા છે. યુનાઇટેડ આરબ અમીરાતના અવકાશયાત્રી સુલતાન અલ નેયાદીએ તાજેતરમાં અવકાશમાં ISSથી અરબી સમુદ્ર પર ભયંકર ચક્રવાત બિપરજોયના મંત્રમુગ્ધ કરનાર ફૂટેજ શેર કર્યા પછી ટ્વિટર પર ખૂબ જ તોફાન મચાવ્યું હતું.
હકીકતમાં ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર તૈનાત UAEના અંતરીક્ષ યાત્રી સુલ્તાન અલ નેયાદીએ અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાનો વીડિયો શેર કર્યો છે. 4:30 મિનિટનો આ વીડિયો સ્પેસ સ્ટેશન પરથી લેવામાં આવ્યો છે. જેમાં જોઈ શકાય છે કે, અરબી સમુદ્રમાં સર્જાયેલ વાવાઝોડું કેટલું વિકરાળ છે. જે ધીમે-ધીમે ગુજરાત અને પાકિસ્તાનના કાંઠા તરફ આગળ વધી રહ્યું છે.
વાયરલ વિડિયોમાં નેયાદી તેના કૅમેરાને જમીનથી સમુદ્ર સુધી પૅન કરે છે, જે સમુદ્ર પર વાદળોનું વિશાળ આવરણ દર્શાવે છે. જેમ જેમ ISS પૃથ્વીની આસપાસ પરિભ્રમણ કરે છે તેમ તેમ અરબી સમુદ્ર પરના સફેદ વાદળો જાણે ધીમે ધીમે માર્ગ આપત અહોય તેમ લાગી રહ્યું છે. વીડિયોમાં બિપરજોયના ભયાનક વમળો છેક અનેક કિલોમીટર ઉપર અવકાશમાંથી સ્પષ્ટરૂપે જોઈ શકાયછે.
ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન દ્વારા જાહેર કરાયેલા બિપરજોય ચક્રવાતના વીડિયોમાં મહત્વની વાત એ છે કે, ચક્રવાતની આંખની આસપાસ ભયાનક નજારો છે. હજારો લીટર પાણી ચક્રવાતના મોજા સાથે ઉડી રહ્યું છે. ચક્રવાતની આ આંખનો ઘેરાવ અનેક કિલોમીટરનો હોઈ શકે છે તે આ વીડિયો પરથી સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. વીડિયોમાં ચક્રવાતની આસપાસ ભયાનક વમળો જોઈ શકાય છે. જેના પરથી જ અંદાજ લગાવી શકાય છે કે, આ ચક્રવાત કઈ હદનું ભયાનક છે. જો 400 કિલોમીટર અવકાશમાંથી આટલો ભયાનક નજારો હોય તો જ્યારે તે ગુજરાતના દરિયાકાંઠે ટકારાશે ત્યારે તે કઈ હદનું ભયાનક સ્વરૂપ ધારણ કરશે તેનો અંદાજ લગાવવો જ મુશ્કેલ છે.



