અમદાવાદ
રાજ્યમાં હજુ પાંચ દિવસ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. સૌરાષ્ટ્ર -કચ્છ અને ઉત્તર ગુજરાત સહિત રાજ્યભરમાં આગામી પાંચ દિવસ ભારે પવન ફૂંકાવાની સાથે વરસાદ વરસશે. દરમિયાન બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદ થયો છે. ધોધમાર વરસાદથી ધાનેરામાં ખેડૂતોને ભારે નુકસાન થયું છે. ભારે વરસાદના પગલે ધાનેરાના ખેતરો બેટમાં ફેરવાયા છે.
હવામાન વિભાગના દ્વારા રવિવારે બનાસકાંઠા, સાબરકાંઠામાં વરસાદની આગાહી કરવામાં આવી હતી. બિપરજોય વાવાઝોડાની અસર બાદ બનાસકાંઠા જિલ્લામાં બે દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથમાં પણ વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે સોમવાર અને મંગળવારે મહિસાગર, નવસારી, વલસાડ, દાહોદ, પંચમહાલ, દમણ, દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં હવામાન સૂકું રહેવાની આગાહી કરવામાં આવી છે.



