શારજાહથી સુરત આવી રહેલી એક ફ્લાઇટમાંથી ડીઆરઆઇ દ્વારા એક મહિલા સહિત બે યાત્રી પાસેથી લિક્વિડ સ્વરૂપે લવાતુ રૂપિયા 49 લાખનું સોનું ઝડપી પાડ્યું હતું. ડીઆરઆઇ બંનેની પુછપરછ કરી રહી છે. અગાઉ પણ તેઓ સોનું લાવ્યાની શંકા સેવાઈ રહી છે.
શાહજહા ફ્લાઇટમાં બે યાત્રીઓ સોનું લાવી રહ્યા હોવાની બાતમી ડીઆરઆઇને મળી હતી. આથી અધિકારીઓએ એરપોર્ટ પર વોચ ગોઠવી હતી. જેવા ઇમ્તિયાઝ અને યાસ્મીન નામના યાત્રીઓ આવ્યા અધિકારીઓએ ઘેરી પુછપરછ શરૂ કરી હતી. તપાસમાં બંને ગુદામાર્ગમાં લિક્વિડ રૂપે 800 ગ્રામ સોનું લઇ જઈ રહ્યા હોવાનુ સપાટી પર આવ્યું હતું. નોંધનીય છે કે અગાઉ એસઓજી દ્વારા પણ એરપોર્ટ બહારથી સાડા ચાર કરોડનું સોનું ઝડપી પાડ્યું હતું. મહિલા નવસારીની રહેવાસી છે જ્યારે યુવક સુરતનો જ છે.
કેરિઅર તરીકે કામ કરતા લોકો સુરતથી દુબઇ અને દુબઇથી સુરત સતત આવતા જતા રહે છે અને એક કરોડથી ઓછી રકમનું જ સોનુ લાવતા હોય છે. જેથી ડીઆરઆઇ કે કસ્ટમના હાથે પકડાઈ તો ધરપકડ ન થાય. નિયમ મુજબ 1 કરોડથી વધુનુ સોનું હોય તો જ ધરપકડ થાય છે. હાલના બંને આરોપીઓ કેપ્સ્યુઅલ ફર્મમાં સોનું લઇને આવ્યા હતા. ડીઆરઆઇએ પ્રાથમિક પુછપરછ બાદ બંનેને કસ્ટમના હવાલે કરી દીધા હતા. જોકે, કસ્ટમે પણ પુછપરછ બાદ બંનેને જવા દીધા હતા.

