Asia Cup 2023, India vs Pakistan: ભારતીય ક્રિકેટ ટીમના પાકિસ્તાનમાં એશિયા કપમાં રમવા ના જવાના નિર્ણય બાદ આખરે નવું શિડ્યૂલ સામે આવ્યુ છે. આ વખતે એશિયા કપનું આયોજન હાઇબ્રિડ મૉડલમાં કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ વખતે એશિયા કપ 31 ઓગસ્ટથી 17 સપ્ટેમ્બર સુધી રમાશે. જેમાં 4 મેચ પાકિસ્તાનમાં જ્યારે બાકીની મેચ શ્રીલંકામાં યોજાશે. હવે પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન ઈન્તિખાબ આલમે આ હાઈબ્રિડ મૉડલને લઈને નારાજગી વ્યક્ત કરી છે. આલમે રમતમાં રાજકારણ આવવાની વાત પર નિરાશા વ્યક્ત કરી છે.
ઈન્તિખાબ આલમે આ સમગ્ર મામલા વિશે કહ્યું કે, મને હંમેશા લાગે છે કે રાજકારણ અને ક્રિકેટ હંમેશા દૂર રહેવું જોઈએ. મને લાગે છે કે કોઈ સમસ્યા એટલી મોટી ના હોઈ શકે કે તેનો ઉકેલ ના આવી શકે. મને એ જોઈને દુઃખ થાય છે કે બંને દેશોના નેતાઓ સમસ્યાનો ઉકેલ લાવવાને બદલે તેને વધુ વધારતા જોવા મળે છે. જો આપણા દેશોના નેતાઓ આ રમતથી દૂર રહે તો બધું જ પતાવી દેશે.
પૂર્વ પાકિસ્તાની કેપ્ટને પોતાના નિવેદનમાં આગળ કહ્યું કે, આ હાઇબ્રિડ મૉડલ શું છે? મને સમજાતું નથી. પાકિસ્તાનમાં 4 થી 5 મેચો યોજાશે તે ખૂબ જ વિચિત્ર સ્થિતિ છે. જ્યારે બાકીની મેચો શ્રીલંકામાં યોજાશે. તે માત્ર સાચું નથી. જો પાકિસ્તાન પણ વર્લ્ડકપમાં પોતાનું સ્થાન જાળવી રાખે છે તો આ મૉડલ પ્રમાણે તેને પણ પોતાનાથી અલગ જગ્યાએ રમવું પડશે.
ભારત અને પાકિસ્તાન વિના ક્રિકેટ અધુરી દેખાશે
વિશ્વ ક્રિકેટમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચનો રોમાંચ હંમેશા એક અલગ જ લેવલ પર જ જોવા મળ્યો છે. ઈન્તિખાબ આલમે પણ આ વિશે કહ્યું હતું કે જો ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ નહીં રમાય તો ક્રિકેટ અધુરી લાગશે. આ બંને ટીમોની ટક્કરથી ICCને ખુબ જ આવક થઈ શકે છે.