વડાપ્રધાન મોદીએ અમેરિકી સંસદમાં સંબોધન કરતી વખતે જેવો ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસનો ઉલ્લેખ કર્યો કે સંસદમાં ઉપસ્થિત બધા સાંસદોએ ઉભા થઈને તાલી વગાડી હતી. ઉપરાષ્ટ્રપતિ કમલા હેરીસે પણ ઉભા થઈને મોદીનું અભિવાદન કર્યું હતું. પીએમ મોદીએ જણાવ્યું હતું કે, અમેરિકાનો પાયો લોકો વચ્ચે સમાનતા પર ટકેલો છે. આપે, દુનિયાભરમાંથી અહીં આવેલા લોકોને અમેરિકાના સપનામાં સમાન રીતે ભાગીદાર બનાવ્યા છે. અહીં લાખો લોકો એવા છે જેમના મુળીયા ભારત સાથે છે તેમાંથી અહીં કેટલાક ગૌરવ સાથે સંસદમાં બેઠા છે.
આમાંથી જ એક મારી પાછળ ઉભી છે કમલા હેરીસ, જેણે ઈતિહાસ રચી દીધો હતો. સમોસા કોકસનો સ્વાદ હવે સંસદમાં નજરે પડે છે, મને આશા છે કે વિવિધ ભારતીય પકવાન પણ હવે અહીં નજરે પડશે. મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, ઈતિહાસમાં જોઈએ તો એક વાત સ્પષ્ટ છે કે લોકશાહી જ એ જુસ્સો છે જે સમાનતા લાવે છે. લોકશાહી જ ચર્ચા અને વિમર્શને આગળ વધારે છે અને ભારત તો લોકશાહીની જનની છે. ભારત અને અમેરિકા મળીને દુનિયાને બહેતર ભવિષ્ય આપી શકે છે.
અમેરિકામાં ભારતીય મૂળના સાંસદોને અનૌપચારીક રીતે સમોસા કોકસ કહેવામાં આવે છે. અમેરિકામાં વર્ષ 2016માં રાષ્ટ્રપતિ ચુંટણીમાં સમોસા કોકસની કથા શરૂ થઈ હતી. એ ચુંટણીમાં પહેલીવાર ભારતીય મૂળના કેટલાક સાંસદો ચુંટાયા હતા. બાદમાં તેઓ હંમેશા સંસદમાં પરસ્પર મુલાકાત કરતા હતા. કમલા હેરીસ આ સમૂહની મુખ્ય સભ્ય હતી. આ સમૂહને હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટીવના સભ્ય રાજા કૃષ્ણમૂર્તિએ પહેલીવાર સમોસા કોકસ નામ આપ્યું હતું.


