આકાશમાં સેંકડો નિર્દોષ મુસાફરો મુસાફરી કરી રહ્યા હોય અને અચાનક કોકપિટની અંદરથી જ મોતનું તાંડવ શરૂ થઈ જાય તો? 30 સપ્ટેમ્બરના રોજ ફ્લાયદુબઈની ફ્લાઇટ FZ1073 માં બનેલી ઘટનામાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ નિષ્ફળ આતંકવાદી કાવતરા માટે સીધો ઈરાન પર આરોપ લગાવીને આંતરરાષ્ટ્રીય ચર્ચા જગાવી છે.
દુબઈથી તેલ અવીવ જઈ રહેલી ફ્લાયદુબઈની ફ્લાઇટમાં બનેલી ઘટના સામાન્ય ક્રાઈમ નહોતી, પરંતુ એક આતંકવાદી કાવતરું હતું. વ્હાઇટ હાઉસ પરિસરમાં જ્યારે પત્રકારોએ રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને પૂછ્યું કે શું આ નિષ્ફળ આતંકવાદી હુમલા પાછળ ઈરાન જવાબદાર છે, ત્યારે તેમણે કોઈપણ ખચકાટ વિના કહ્યું. હા, મને એવું જ લાગે છે. હું અંગત રીતે એવું માનું છું કે આ ષડયંત્ર માટે ઈરાન જ જવાબદાર છે. ટ્રમ્પના આ નિવેદન બાદ હવે આંતરરાષ્ટ્રીય તપાસ એજન્સીઓ અને રાજદ્વારી વર્તુળોમાં ભારે ગરમાવો આવી ગયો છે.
તપાસ અહેવાલો મુજબ, ઓમાનના રહેવાસી કો-પાઇલટ અલ-હમ્મામીનું આયોજન અત્યંત ભયાનક હતું. તેની યોજના ભારતીય કેપ્ટન સ્મિત મચ્છર પર જીવલેણ હુમલો કરી તેમને બેભાન કે ખતમ કરીને વિમાનનું સંપૂર્ણ નિયંત્રણ પોતાના હાથમાં લેવાની હતી. ત્યારબાદ તે ઇઝરાયલના બેન ગુરિયન એરપોર્ટ પર ઉતરાણની મંજૂરી મેળવીને વિમાનને કોઈ ઈમારત સાથે અથવા એરપોર્ટ પર પહેલેથી ઊભેલા અન્ય કોઈ વિમાન સાથે જોરદાર ટકરાવીને મોટો વિનાશ વેરવા માગતો હતો. ‘ધ ટાઇમ્સ ઓફ ઇઝરાયેલ’ના રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે હમામીની કથિત યોજના વિમાનને ઇઝરાયેલના બેન ગુરિયન એરપોર્ટ તરફ લઈ જવાની હતી. રિપોર્ટ અનુસાર, પૂછપરછમાં તેણે કથિત રીતે જણાવ્યું કેપ્ટન મચ્છરને કાબૂ કર્યા બાદ તે સામાન્ય રીતે ફલાઇટ ચલાવી અને જરુરી લેંડિંગ ક્લિયરન્સ મેળવી અને વિમાનને એરપોર્ટની કોઇ સુવિધા કે ત્યાં ઉભેલા વિમાન સાથે ટકરાવી દેવાનો પ્લાન હતો.






