હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદને કારણે તબાહી મચી ગઈ છે. શિમલાના રામપુર અને હમીરપુરમાં વાદળ ફાટવાને કારણે ભારે નુકસાન થયું છે. અનેક સ્થળો પર હિમાચલપ્રદેશના લાઈફલાઈન રસ્તાઓ બંધ છે. ચંદીગઢ-મનાલી હાઈવે 3 જગ્યાઓ પર બંધ થવાને કારણે સહેલાણીઓ અને ત્યાંના રહેવાસીઓએ ગાડીઓમાં રાત પસાર કરી છે. છેલ્લા 24 કલાકમાં 3 લોકોના મોત થયા છે અને ઘર તથા ગાડીઓને ભારે નુકસાન થયું છે.
રાજ્ય આપત્તિ સંચાલન વિભાગે રવિવારે સાંજે 24 કલાકનો રિપોર્ટ જાહેર કર્યો છે. આ દરમિયાન 2.5 કરોડની સંપત્તિને ભારે નુકસાન થયું છે. રિપોર્ટ અનુસાર વરસાદને કારણે 3 લોકોના મોત થયા છે અને 13 ઘર પડી ગયા છે. 12 વાહનોને નુકસાન થયું છે તથા 5 ગૌશાળાઓ, એક પ્રાથમિક શાળા જમીનદોસ્ત થઈ છે. રાજ્યભરમાં 85 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. 55 પાવર ટ્રાન્સફોર્મરને નુકસાન થયું છે. કાલકા -શિમલા રેલ્વે ટ્રેક પર પહાડો પરથી પથ્થરો, કાટમાળ અને વૃક્ષો પડવાને કારણે સતત બીજા દિવસે તમામ ટ્રેનો રદ કરવામાં આવી હતી.
હાઈવે પર લેન્ડસ્લાઈડ
રવિવારે સાંજે મંડી જિલ્લાના ચાર મીલ, સાત મીલ અને ખોતીનાલા પાસે ભૂસ્ખલન થતા હાઈવે સંપૂર્ણપણે બંધ થઈ ગયો હતો. સૌથી પહેલા ખોતાનાલા પાસે પૂર આવ્યું અને હાઈવે પર પાણી વહેવા લાગ્યું. પાણીનું સ્તર ઓછું થતા પહાડો પરથી પત્થર પડવા લાગ્યા અને હાઈવે બંધ થઈ ગયો. ચાર મીલ અને સાત મીલ પાસે પણ પહાડો પરથી પત્થર પડતા હાઈવે સંપૂર્ણપણે બંધ થઈ ગયો. હિમાચલમાં આવનારા દિવસોમાં રાહત મળશે, તેવા કોઈ અણસાર નથી. હવામાન વિભાગે વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે. મંડીમાં બે દિવસમાં 300 mmથી વધુ વરસાદ થયો છે.






