ક્રિકેટ વર્લ્ડકપ 2023ની ટ્રોફી ધરતીથી 1,20,000 ફૂટ પર અંતરિક્ષમાં પહોંચી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં લેન્ડ થઈ છે. ICC વન-ડે વર્લ્ડ કપની ટુર 27 જૂનથી ભારતમાંથી શરૂ થશે. દુનિયાભરમાં યાત્રા કરીને ચાર સપ્ટેમ્બરે યજમાન દેશ ભારતમાં ટ્રોફી પરત આવશે. ટ્રોફીને ખાસ સ્ટ્રેટોસ્ફેરિક બલૂન સાથે જોડવામાં આવી હતી. ટ્રોફી સાથે 4K કેમેરાની મદદથી પૃથ્વીની બહાર અંતરીક્ષમાં ટ્રોફીની કેટલીક તસવીરો પણ લેવામાં આવી છે.
BCCI ના સચિવ જય શાહે ટ્વિટર એકાઉન્ટના માધ્યમથી વર્લ્ડ કપ ટ્રોફીને અંતરીક્ષમાં લોન્ચ કરાતો વીડિયો શેર કર્યો છે. જય શાહે કહ્યું કે ક્રિકેટ જગત માટે આ યાદગાર પળ છે, જ્યારે વર્લ્ડ કપ 2023ની ટ્રોફીનું અંતરિક્ષમાં અનાવરણ કરાયું છે. અંતરિક્ષમાં મોકલવામાં આવેલી આ પહેલી સત્તાવાર ટ્રોફીમાંથી એક છે, આની સાથે જ ક્રિકેટ વર્લ્ડકપ ટ્રોફીના પ્રવાસની શરૂઆત થઈ છે. 2023 વર્લ્ડકપ ટ્રોફી ટુરનો સૌથી મોટું સંસ્કરણ હશે, જે ક્રિકેટ ચાહકો માટે દુનિયાભરના જુદા જુદા દેશો અને શહેરોમાં પહોંચશે. 27 જૂનથી શરૂ થનાર ટ્રોફી ટુરમાં ટ્રોફી મલેશિયા, બહેરીન, ઇટલી, ફ્રાન્સ, યુગાન્ડા, નાઇઝીરિયા, કુવૈત સહિત 18 દેશોમાં પહોંચશે, ત્યારબાદ યજમાન દેશ ભારતમાં 4 સપ્ટેમ્બરે ટ્રોફી પરત ફરશે. વર્લ્ડ કપ ટ્રોફીની ટુર 27 જૂનથી 14 જુલાઈ સુધીમાં ભારતમાં થશે ત્યારબાદ ટ્રોફી ન્યુઝીલેન્ડ લઈ જવાશે.




