હિંમતનગરમાં બે દિવસ પહેલાં એક અજાણ્યા વાહનની અડફેટે ત્રણ વર્ષના બાળકનું મોત થયું હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ હતી. પોલીસે પિતાની ફરિયાદ પરથી અકસ્માત સર્જીને ફરાર થનાર બાઈકચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધી, તેને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યાં.
પોલીસે ઘણા CCTV તપાસ્યા, પરંતુ જે રોડ પર અકસ્માત થયાની વિગત મળી હતી એ રોડ પર કોઈ વાહનચાલક દેખાયો નહીં, પરંતુ છેલ્લે, એક CCTVમાં રિક્ષા દેખાઈ અને એ રિક્ષામાંથી જે બાળકના અકસ્માતની ફરિયાદ નોંધાઈ હતી તે બાળક અને તેને ખભે લઈને રિક્ષામાં બેસતી તેની માતા નજરે પડી. આ માતાની પૂછપરછમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો. માતાના પ્રેમીએ 3 વર્ષના નાના બાળક કૃણાલને પેટમાં લાત મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો. એ બાદ માતાએ પણ પ્રેમીનો સાથ આપ્યો અને પુત્રનું અકસ્માતમાં મોત થયું હોવાનો ઢોંગ રચ્યો હતો. ત્યારે સીસીટીવીના આધારે પોલીસે સમગ્ર ઘટનાનો ભેદ ઉકેલી માતા અને તેના પ્રેમીની ધરપકડ કરી છે.