મહારાષ્ટ્રમાં અજિત પવારના નાયબ મુખ્યમંત્રી બન્યા બાદ ફરી કેન્દ્રીય કેબિનેટમાં ફેરબદલની ચર્ચાએ જોર પકડ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ચોમાસુ સત્ર પહેલા મોદી કેબિનેટમાં ફેરબદલ થઈ શકે છે. જેમાં કેટલાક નવા ચહેરાઓને તક મળી શકે છે.
મોદી કેબિનેટમાં ફેરબદલની ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ જોવા મળી રહી છે. ગઈકાલે NCP નેતા અજિત પવાર એક કલાકમાં જ વિપક્ષના નેતાથી નાયબ મુખ્યમંત્રી બની ગયા. રવિવારની રાજકીય ઘટનાઓ એટલી ઝડપથી બદલાતી રહી કે કોઈને તેની ખબર પણ ન પડી. બેઠક બાદ અજિત પવાર સમર્થક ધારાસભ્યો સાથે રાજભવન પહોંચ્યા અને પછી NCPના 9 ધારાસભ્યોએ મંત્રી પદના શપથ લીધા. જેમાં અજિત પવારે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય ડ્રામા વચ્ચે ફરી એવી ચર્ચાઓએ જોર પકડ્યું છે કે આગામી 20 જુલાઈના રોજ ચોમાસુ સત્ર શરૂ થવાનું છે અને તે પહેલા મોદી કેબિનેટમાં ફેરબદલ થઈ શકે છે.
ભાજપના ટોચના નેતૃત્વની અનેક રાઉન્ડની બેઠકો બાદ કેન્દ્રીય મંત્રી પરિષદમાં ફેરબદલની સંભાવનાઓને લઈને ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે કેન્દ્રીય મંત્રી પરિષદની બેઠકની અધ્યક્ષતા કરશે. આ બેઠક સોમવારે પ્રગતિ મેદાન ખાતે નવા બનેલા કોન્ફરન્સ હોલમાં થવાની ધારણા છે. કેબિનેટ વિસ્તરણમાં પૂર્વ કેબિનેટ મંત્રી પ્રફુલ્લ પટેલના નામની પણ ચર્ચા શરૂ થઈ ગઈ છે.
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના નેતા અજિત પવાર તેમની પાર્ટીના ઘણા ધારાસભ્યો સાથે ભાજપ-શિવસેના સરકારમાં સામેલ થઈ ગયા છે. તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સહિત ભાજપના રણનીતિકારો સાથે બંધ બારણે યોજાયેલી ઘણી બેઠકો પછી મંત્રી પરિષદમાં ફેરબદલની શક્યતાઓ મજબૂત થઈ છે. NCPના વરિષ્ઠ સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી પ્રફુલ્લ પટેલને એક સંભવિત દાવેદાર તરીકે જોવામાં આવી રહ્યા છે. NCPના વડા શરદ પવારના ખૂબ નજીકના ગણાતા પટેલે તેમને છોડીને અજિત પવાર સાથે હાથ મિલાવ્યો હતો. અજિત પવાર શરદ પવારના ભત્રીજા છે. મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી તરીકે અજિત પવારના શપથ ગ્રહણ સાથે જ દેવેન્દ્ર ફડણવીસને કેન્દ્ર સરકારમાં લાવવાની અટકળો પણ તેજ થઈ ગઈ છે.