મહારાષ્ટ્રના રાજકારણ માટે 2 જુલાઈનો દિવસ સુપર સન્ડે સાબિત થયો. NCP નેતા અજિત પવારે તેમના નિવાસસ્થાને ધારાસભ્યોની બેઠક બોલાવી હતી. અગાઉ સમાચાર આવ્યા હતા કે, મહારાષ્ટ્રમાં NCPના પ્રદેશ અધ્યક્ષ બનાવવા માટે આ બેઠક બોલાવવામાં આવી છે. આ બેઠકમાં પાર્ટીના કાર્યકારી પ્રમુખ સુપ્રિયા સુલે અને પ્રફુલ્લ પટેલ પણ હાજર રહ્યા હતા. પરંતુ આખી ઘટના થોડી જ વારમાં બદલાઈ ગઈ જ્યારે અજિત પવાર મીટિંગ છોડીને સીધા રાજભવન ગયા અને Dy.CM તરીકે શપથ લીધા બાદ શિંદે-ફડણવીસ સરકારમાં સામેલ થઈ ગયા. અજિત પવાર ઉપરાંત NCPના 8 વધુ ધારાસભ્યોએ પણ શપથ લીધા.
પીટીઆઈએ સૂત્રોને ટાંકીને કહ્યું કે, અજિત પવારે રાજ્યપાલને લખેલા પત્રમાં એનસીપીના 40થી વધુ ધારાસભ્યોના સમર્થનનો દાવો કર્યો છે. ડેપ્યુટી સીએમના શપથ લીધા પછી આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં તેમણે કહ્યું કે, તેઓ NCPના સિમ્બોલ પર જ ચૂંટણી લડશે. આ સાથે કહ્યું કે, તમામ ધારાસભ્યો તેમની સાથે છે.