મહારાષ્ટ્રના રાજકારણમાં NCP નેતા અજીત પવારના એક નિર્ણયને કારણે ગરમાવો આવી ગયો હતો. NCP નેતા અજિત પવાર દ્વારા રવિવાર, 2 જુલાઈએ મહારાષ્ટ્રમાં લેવાયેલા રાજકીય પગલાએ બધાને આશ્ચર્યચકિત કરી દીધા છે. તેમણે મહારાષ્ટ્રના Dy.CM તરીકે તેમની આગામી રાજકીય ઇનિંગ શરૂ કરી છે, ત્યારબાદ કાકા શરદ પવારે સ્પષ્ટ કર્યું છે કે, આ બળવો છે અને કહ્યું છે કે, તેઓ બતાવશે કે NCP કોની છે. આ દરમિયાન મહારાષ્ટ્ર NCPના પ્રમુખ જયંત પાટીલે કહ્યું છે કે, અજિત પવાર અને તેમની સાથે શપથ લેનારા NCP નેતાઓ સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
મહારાષ્ટ્ર NCPના પ્રમુખ જયંત પાટીલે કહ્યું કે, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના 9 સભ્યોએ રાજભવન જઈને પાર્ટીની નીતિ વિરુદ્ધ શપથ લીધા છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ શરદ પવારને અંધારામાં રાખીને આ કાર્યવાહી કરવામાં આવી છે. તેમણે કહ્યું કે, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી વતી મંત્રી તરીકે શપથ લેનારા NCP નેતાઓને લઈને વિધાનસભાના અધ્યક્ષને અયોગ્યતાની અરજી મોકલવામાં આવી છે.
મહારાષ્ટ્ર NCPના પ્રમુખ પાટીલે કહ્યું કે, અમે કેન્દ્રીય ચૂંટણી પંચને પત્ર લખ્યો છે અને તેમને મેઈલ પણ કર્યો છે. માત્ર 9 લોકો સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. બાકીના ધારાસભ્યો અમારા સંપર્કમાં છે. તેઓ તેમના મતવિસ્તારમાં જશે ત્યારે અમારી સાથે પાછા આવશે. પાટીલે કહ્યું, અમે ઈચ્છીએ છીએ કે, અયોગ્યતાની અરજી પર જલ્દી સુનાવણી કરીને અમારું વલણ સમજવું જોઈએ. વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકરે આ અંગે વહેલી તકે નિર્ણય લેવો જોઈએ. અમે તમામ કાયદાકીય પગલાં લીધા છે. તેમણે શપથ લીધા ત્યારે જ તેઓ ગેરલાયક ઠર્યા.