CBIએ શુક્રવારે ઓડિશાના બાલાસોરમાંથયેલા ટ્રેન અકસ્માતમાં 3 રેલવે કર્મચારીઓની ધરપકડ કરી હતી. ત્રણેયની આઈપીસી કલમ 304 હેઠળ ધરપકડ કરવામાં આવી છે. સેન્ટ્રલ ઇન્વેસ્ટિગેશન એજન્સી આ ટ્રેન દુર્ઘટનામાં ગુનાહિત ષડયંત્રની શક્યતાની તપાસ કરી રહી છે. ધરપકડ કરાયેલા ત્રણ રેલવે કર્મચારીઓના નામ સિનિયર સેક્શન એન્જિનિયર અરુણ કુમાર મહંતો, સિનિયર સેક્શન એન્જિનિયર મોહમ્મદ અમીર ખાન અને ટેકનિશિયન પપ્પુ કુમાર છે. કલમ 304 હેઠળની સજામાં આજીવન કેદ અને દંડ અથવા સખત કેદનો સમાવેશ થાય છે. સૂત્રોનું કહેવું છે કે આ ત્રણેયની બેદરકારીના કારણે આટલો મોટો અકસ્માત થયો હતો.
આ ટ્રેન દુર્ઘટનામાં 292 લોકોના મોત થયા હતા
માનવીય ભૂલને જવાબદાર ગણાવી બાલાસોર ટ્રેન દુર્ઘટનાની તપાસ કરી રહેલા કમિશનર ઓફ રેલ્વે સેફ્ટીએ ગયા અઠવાડિયે સિગ્નલિંગ વિભાગના સ્ટાફની માનવીય ભૂલને જવાબદાર ગણાવી હતી. તેમણે તોડફોડ, તકનીકી ખામી અથવા મશીનની ખામીની શક્યતાને નકારી કાઢી હતી. CRS એ કથિત રીતે કેટલાક ગ્રાઉન્ડ અધિકારીઓની બેદરકારીનો પર્દાફાશ કર્યો હતો, જેમણે ત્રણ વર્ષ પહેલાં સુરક્ષાની ચિંતાઓને કારણે ડિઝાઇનમાં ફેરફાર કર્યા પછી નિરીક્ષણની પર્યાપ્ત સલામતી પ્રક્રિયાઓનું પાલન કર્યું ન હતું.
બહાનાગા બજાર રેલ્વે સ્ટેશન પરથી દરરોજ લગભગ 170 ટ્રેનો પસાર થાય છે. અકસ્માત બાદ સીબીઆઈએ લોગ બુક, રિલે પેનલ અને સાધનો જપ્ત કરીને સ્ટેશનને સીલ કરી દીધું હતું. હાલમાં બહાનગા બજાર સ્ટેશન પર કોઈ ટ્રેન ઉભી નથી.






