ભાવનગર, તા.૧૪
ભાવનગરના સાંઢીયાવાડમાં ઇન્ડિયા હાઉસની બાજુમાં કોર્પોરેશનની માલિકીનો ૨૫૦ ચો.મી.નો કિંમતી પ્લોટ આવેલો છે જે સસ્તી કિંમતે પડાવી લેવા અગાઉ વિવાદ થયો હતો. બાદમાં કોર્પોરેશને આ જમીન નહીં વેચવાનો નિર્ણય કરી આ સ્થળે આંગણવાડીનું નિર્માણ કરવા નક્કી કર્યું હતું અને છેલ્લા ત્રણેક દિવસથી તે સંદર્ભે કામગીરી હાથ ધરાઇ છે. આ સાથે જ સ્થાનિક લોકો વિરોધમાં ઉતરી પડ્યા હતાં. બે દિવસ પૂર્વે વિપક્ષ કોંગ્રેસે પણ આ મુદ્દો હાથમાં લઇ આગેવાની લીધી હતી. પરંતુ કોર્પોરેશને આંગણવાડીના નિર્માણ માટે મક્કમતા દેખાડી હતી અને સ્થાનિકોના વિરોધના પગલે આજે હથિયારધારી પોલીસના બંદોબસ્ત સાથે સ્થળ પર કામગીરી આગળ વધારાઇ હતી તેવામાં ભાવનગર ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં અરજદાર જુબેરભાઇ અબુબકરભાઇ હમીદાણીએ ૨૦૨૨ના દિવાની કેસમાં મનાઇ હુકમની અરજી કરતા આવતીકાલે તેનું હિયરીંગ છે. આથી મહાપાલિકાના લીગલ ઓફીસરની સુચનાના પગલે આજે કોર્પોરેશનની ટીમ કામગીરી પડતી મુકીને પરત ફરી હતી.
આંગણવાડીના બદલે કોમ્યુનિટી હોલ અથવા ગાર્ડન બનાવવા માંગ
છેલ્લા દોઢ બે વર્ષથી કોર્પોરેશનની માલિકીના પ્લોટને લઇને વિવાદ ચાલી રહ્યો છે. જેમાં લગત જમીન ઓછી કિંમતે મેળવી લેવા અગાઉ નાકામ પ્રયાસ થયો હતો. પરંતુ વિવાદ ઉઠતા આખરે તત્કાલીન શાસકો અને અધિકારીઓના હાથ હેઠા પડ્યા હતાં અને આ જમીનના વેચાણ પર રોક લગાવી તે સ્થળે નાના બાળકો માટે આંગણવાડીનું નિર્માણ કરવા નક્કી થયું હતું જેથી આ વિસ્તારના રહિશોના બાળકોને નજીકમાં આંગણવાડી મળી રહે. આંગણવાડી નિર્માણ માટે તત્કાલીન ધારાસભ્ય વિભાવરીબેન દવેએ રૂ.૭ લાખની ગ્રાન્ટ પણ ફાળવી હતી. પરંતુ જેવું આંગણવાડીનું નિર્માણ હાથ ધરાતા હવે આ સ્થળે ગાર્ડન અથવા કોમ્યુનિટી હોલની માંગ ઉઠાવી આયોજનપૂર્વક વિરોધ થતો હોય તેવું ચિત્ર ઉપસ્યું છે.
પ્લોટ વેચી દો તો વાંધો નહીં, આંગણવાડી બને તો ચાલ અને નેવાના પાણીનો હક્ક જોખમાય ?!
કોર્પોરેશનની માલિકીનો પ્લોટ વેચાણથી નહીં આપી તેમાં આંગણવાડી નિર્માણનો નિર્ણય જે-તે વખતે કરાયો હતો. બીજી બાજુ સ્થાનિક એક રહિશે વર્ષ ૨૦૨૨માં ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં દિવાની કેસ દાખલ કરી કોર્પોરેશનના પ્લોટમાં પોતાની ચાલ અને નેવાના પાણીનો હક્ક રહેલો છે જે જાખમાતું હોવાનો દાવો દાખલ કર્યો હતો. સામાપક્ષે કોર્પોરેશને ૬ જુન ૨૦૨૨માં એફિડેવીટ કરી વળતો જવાબ આપ્યો હતો. દરમિયાનમાં આ કેસ હાલ કોર્ટમાં છે ત્યારે આજે અરજદાર જુબેરભાઇ અબુબકરભાઇ હમીદાણીએ મનાઇ હુકમ માંગતી અરજી કરી છે. આમ પ્લોટ લગત મિલ્કત ધારકને વેચી દે તેમાં કોઇ વિરોધ નથી થયો પરંતુ હવે સરકારી આંગણવાડીનું નિર્માણ હાથ ધરાતા જ સબંધિતોના હિત જાખમાતા હોવાનું સામે આવ્યું છે તેમ લોકોમાં ભારે ચર્ચાઓ ઉઠી છે.