ભાવનગર તા.૧૪
પાલીતાણા તાલુકાના થોરાળી ગામની સીમમાં આવેલ તળાવ નજીકથી રૂ.૨.૨૪ લાખની કિંમતનો ઇંગ્લિશ દારૂ અને બિયર ભરેલી બોલેરો પીકઅપ ઝડપી લઈ પાલીતાણા રૂરલ પોલીસે કુલ રૂ.૭.૩૩ લાખનો મુદ્દામાલ કબજે કરી થોરાળી ગામના બે સાગા ભાઈ સહિત ત્રણ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો.બોલેરો પીકઅપમાં રાખેલ પતરાના ૯ કબાટમાં દારૂ અને બિયરનો જથ્થો છુપાવી રાખવામાં આવ્યો હતો.
આ અંગે પ્રાપ્ત વિગત મુજબ પાલીતાણા રૂરલ પોલીસ મથકના સબ ઇન્સ્પેક્ટર આર.જે.રહેવર તથા સ્ટાફના માણસો ગત રાત્રિના સમયે ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે, થોરાળી ગામમાં રહેતા ઘનશ્યામ બોઘાભાઈ બારૈયા અને તેનો ભાઈ મથુર બોઘાભાઈ બારૈયા એ બહારથી વિદેશી દારૂ અને બિયરનો મોટો જથ્થો મંગાવ્યો છે અને ગામની સીમમાં આવેલ કડાધાર પાસેના તળાવ નજીક તેનો કટીંગ થવાનું છે.
આ બાતમીના આધારે પાલીતાણા રૂરલ પોલીસે થોરાળી ગામની સીમમાં કડાધાર પાસે આવેલ તળાવ નજીક તપાસ કરતા એક બોલેરો પીકઅપ બિનવારસી મળી આવી હતી.
પોલીસે તપાસ કરતા બોલેરો પીકઅપમાં રાખેલા પતરાના ઉભા કબાટની અંદર ઇંગ્લિશ દારૂના ૬૭૨ ચપટા તેમજ બિયરના ૧૬૮ ટીન અને બિયરની ૨૫૨ નંગ બોટલ, કિં. કુલ રૂ. ૨,૨૪,૭૬૦ મળી આવી હતી.
પાલીતાણા રૂરલ પોલીસે ઇંગ્લિશ દારૂ અને બિયરનો જથ્થો, બોલેરો પીકઅપ તેમજ પીકઅપમાં રાખેલ પતરાના ઉભા કબાટ મળી ફૂલ રૂ. ૭,૩૩,૭૬૦ નો મુદ્દામાલ કબજે કરી ગામના ઘનશ્યામ બોઘાભાઈ બારૈયા મથુર બોઘાભાઈ બારૈયા અને બોલેરોના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.