બેંગલુરૂમાં 26 વિપક્ષી પાર્ટીઓએ ઈન્ડિયન નેશનલ ડેવલોપમેન્ટ ઇન્ક્લૂસિવ એલાયન્સ (ઈન્ડિયા) નું ગઠન કર્યું જેથી વર્ષ 2024ની લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વવાળા રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન (એનડીએ) ને પડકાર આપી શકાય. વિપક્ષી દળોનો દાવો છે કે તે ગઠબંધન 2024માં યોજાનાર લોકસભા ચૂંટણીમાં ભાજપના આગેવાનીવાળા એનડીએને પરાજય આપશે. પરંતુ ચૂંટણીમાં શું થશે તે તો આવનારો સમય બતાવશે. પરંતુ હવે વિપક્ષી દળોના ગઠબંધનના નામનો મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગયો છે.
દિલ્હીના બારાખંબા રોડ સ્થિત પોલીસ સ્ટેશનમાં 26 પાર્ટીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે. આ ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે કોઈપણ વ્યક્તિ પોતાના અંગત ફાયદા માટે ઈન્ડિયા (ઈન્ડિયન નેશનલ ડેવલોપમેન્ટ ઇન્ક્લૂસિવ એલાયન્સ INDIA)શબ્દનો ઉપયોગ ન કરી શકે.
આ ફરિયાદ દિલ્હીમાં રહેતા અવનીશ મિશ્રા નામના વકીલે કરી છે. તેમણે કહ્યું કે, આ પાર્ટીઓએ પોતાના ગઠબંધનનું નામ INDIA રાખ્યું જે એમ્બ્લેમ એક્ટ-2022નું ઉલ્લંઘન છે. અવનીશ દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદમાં જણાવવામાં આવ્યું કે એમ્બ્લેમ એક્ટની કલમ 3 હેઠળ કોઈ વ્યક્તિ ઈન્ડિયા નામનો ઉપયોગ પોતાના ફાયદા માટે ન કરી શકે. તેનાથી અમારી ભાવનાને ઠેંસ પહોંચી છે.