કાયદા મંત્રાલયે રાજ્યસભામાં આ માહિતી આપી હતી. એક લેખિત જવાબમાં કાયદા પ્રધાન અર્જુન રામ મેઘવાલે જણાવ્યું હતું કે ઈન્ટિગ્રેટેડ કેસ મેનેજમેન્ટ સિસ્ટમના ડેટા અનુસાર 1 જુલાઈ સુધીમાં સુપ્રીમ કોર્ટમાં 69,766 પેન્ડિંગ કેસ હતા. બીજી તરફ નેશનલ જ્યુડિશિયલ ડેટા ગ્રીડના ડેટા મુજબ 14 મી જુલાઈ સુધી હાઈકોર્ટમાં 60,62,953 અને જિલ્લા કોર્ટ અને નીચલી અદાલતોમાં 4,41,35,357 કેસ પેન્ડિંગ હતા. આવા કુલ 5,02,68,076 કેસ હજુ પણ કોર્ટમાં પેન્ડિંગ છે.
કાયદા મંત્રીએ કહ્યું કે અદાલતોમાં કેસ પેન્ડિંગ રહેવાના ઘણા કારણો છે, જેમ કે ન્યાયાધીશોની સંખ્યા, સહાયક સ્ટાફ, પુરાવા, તપાસ એજન્સીઓ, સાક્ષીઓ વગેરે. આ સિવાય બીજા પણ ઘણા કારણો છે જેના કારણે ઘણા કેસ પેન્ડિંગ છે. તેમણે કહ્યું કે પેન્ડિંગ મામલાના નિરાકરણની પ્રક્રિયામાં સરકારની કોઈ ભૂમિકા નથી. આ ઉપરોક્ત કારણોને લીધે કેસોના નિકાલમાં વિલંબ થાય છે.
ન્યાયાધીશોની નિમણૂક અંગે અર્જુન રામ મેઘવાલે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે 01.05.2014 થી 10.07.2023 સુધી સુપ્રીમ કોર્ટમાં 56 જજોની નિમણૂક કરી છે. આ સિવાય હાઈકોર્ટમાં 919 નવા જજ અને 653 એડિશનલ જજની નિમણૂક કરવામાં આવી છે. તેમણે કહ્યું કે જો હાઈકોર્ટના જજોની નિમણૂકની વાત કરીએ તો 2014 માં હાઈકોર્ટમાં 906 જજ હતા અને હવે 1114 જજ છે.