રાજ્યમાં ભારે વરસાદના કારણે એસ ટી સેવા પ્રભાવિત થઇ છે. ભારે વરસાદનાં પગલે એસટી બસની કુલ અંદાજે 262 ટ્રીપ રદ કરવામાં આવી છે તથા જરૂર જણાય ત્યાં વધુ બસ સેવા બંધ અને શરૂ કરી શકાય છે. વધુમાં બસના ડ્રાઇવર અને કન્ડક્ટર અને ડેપો મેનેજરને જરૂરી સૂચનાઓ અપાઈ છે. કોઝ વે કે પાણી ભરાયા હોય તેવા જોખમી સ્થળ પર બસ નહીં લઈ જવા સૂચના અપાઈ છે.
રાજ્યમાં સૌથી વધુ જૂનાગઢની અંદાજે 35 બસોની 250 ટ્રીપ રદ કરવામાં આવી છે. સુત્રાપાડા , તાલાલા , માળિયા હાટીના , માંગરોળ, કેશોદ, ધોરાજી તરફ જતી એસ ટી બસ સેવા પ્રભાવિત થઇ છે. એસટી વિભાગ દ્વારા અમરેલીની 10 અને જામનગર ની દ્વારકા અને સોમનાથની 2 ટ્રીપ રદ કરવામાં આવી છે.અમદાવાદના કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ પરથી gps અને જીઓ ફેન્સથી બસ પર નજર રખાઈ રહી છે, એસટી વિભાગ મોબાઈલ મારફતે કર્મચારીઓના સતત સંપર્કમાં છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શુક્રવાર તા. ૨૧ જુલાઈના રોજ સવારે ૧૧ કલાકે સૌરાષ્ટ્રના ભારે વરસાદ અસરગ્રસ્ત માંગરોળ, ગીર સોમનાથ, તલાલા અને માળિયા હાટીના તેમજ હિરણ ડેમ વિસ્તારોના હવાઈ નિરીક્ષણ માટે ગાંધીનગરથી રવાના થશે. હવાઈ નિરીક્ષણ કરીને સ્થિતિ નો ક્યાસ મેળવ્યા પછી મુખ્યમંત્રી જુનાગઢ ખાતે બપોરે ૧:૦૦ કલાકે સંબંધિત અધિકારીઓ સાથે રિવ્યુ મીટીંગ પણ યોજવાના છે. રાજ્યના મુખ્ય સચિવશ્રી રાજકુમાર અને મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ એમ. કે. દાસ પણ મુખ્યમંત્રી સાથે જોડાશે.