સ્પેસ એજન્સી નાસામાં પાવર નિષ્ફળતાના કારણે મંગળવારે મિશન કંટ્રોલ અને ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન વચ્ચેનો સંચાર ખોરવાઈ ગયો હતો. પાવર આઉટેજને કારણે મિશન કંટ્રોલને સ્પેસ સ્ટેશનને સૂચનાઓ મોકલી શકાઈ નહીં અને સાત અવકાશયાત્રીઓ સાથે વાત પણ ન થઈ શકી.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હ્યુસ્ટનમાં જોન્સન સ્પેસ સેન્ટર બિલ્ડિંગમાં અપગ્રેડનું કામ ચાલી રહ્યું હતું, જેના કારણે પાવર ફેલ થઈ ગયો હતો. સ્પેસ સ્ટેશનના પ્રોગ્રામ મેનેજર જોએલ મોન્ટાલબાનોએ જણાવ્યું હતું કે અવકાશયાત્રીઓ કે સ્ટેશન ક્યારેય જોખમમાં નહોતા અને બેકઅપ કંટ્રોલ સિસ્ટમ્સ 90 મિનિટની અંદર તરત જ બધુ સંભાળી લીધુ હતું.
તેમણે કહ્યું કે પાવર નિષ્ફળતાની 20 મિનિટની અંદર, ક્રૂને રશિયન સંચાર પ્રણાલી દ્વારા સમસ્યા વિશે જાણ કરવામાં આવી હતી. મોન્ટાલબાનોના જણાવ્યા અનુસાર, આ પ્રથમ વખત છે જ્યારે નાસાએ નિયંત્રણ મેળવવા માટે બેકઅપ સિસ્ટમને સક્રિય કરવી પડી હોય. તેમણે કહ્યું કે નાસાને આશા છે કે દિવસના અંત સુધીમાં સમસ્યાનો ઉકેલ આવી જશે અને કામગીરી સામાન્ય થઈ જશે.
વાવાઝોડા અથવા અન્ય આફતની સ્થિતિમાં કોઈપણ સમસ્યાનો સામનો કરવા માટે, નાસાએ હ્યુસ્ટનથી માઈલ દૂર બેકઅપ કંટ્રોલ સેન્ટરની સ્થાપના કરી છે. પરંતુ મંગળવારના કિસ્સામાં, ફ્લાઇટ કંટ્રોલર્સ મિશન કંટ્રોલમાં રહ્યા કારણ કે લાઇટ અને એર કન્ડીશનીંગ કામ કરી રહ્યા હતા.