કચ્છના ગાંધીધામમાં થોડા દિવસ અગાઉ દીનદહાડે 1.45 કરોડની લૂંટની ઘટના બની હતી. ગાંધીધામના 400 ક્વાર્ટર એસએફએક્સ 79માં રહેતા રેખાબેન કમલ વાસુદેવ મુલચંદાણીના ઘરે બપોરના સમયે તેઓ અને તેમના સાસુ મીનાબેન ઘરમાં હતા, ઉપરના માળે તેમના નણંદ મમતાબેન ટ્યુશન ભણાવી રહ્યા હતા. તે સમયે તેમના ઘરે ત્રણ માણસો આવ્યા હતા અને ‘હમ સીબીઆઇ પોલીસ સે હૈ ઔર રેડ ડાલને આયે હૈ’ વાત કરી રૂમને અંદરથી બંધ કરી બેડરુમમાં પલંગ પર સૂતેલા સાસુને નીચે ઉતરવાનું કહી બેડનું પ્લાય ઉચું કરી તેમના કાકા સસરા મોહનભાઇની ગુટખાની બેગ રાખી હતી, જેમાં 500ના દરની નોટોના બંડલ હતા. તે બેગ ઉપાડી બહાર નીકળતા હતા તે દરમિયાન તેમના નણંદે આઇડી બતાવવા કહ્યું તો છરી બતાવી ઘર અંદર જવાનું કહી ભાગી ગયા હતા. આ ઘટના બાદ પૂર્વ કચ્છ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.
પૂર્વ કચ્છ પોલીસે ઘટનાની ગંભીરતા દાખવી વિવિધ ટીમો તેમજ હ્યુમન સર્વેલન્સ તેમજ ટેક્નિકલ સર્વેલન્સના આધારે તપાસ શરૂ કરી હતી. પોલીસે સમગ્ર લૂંટકાંડમાં ફરિયાદી રેખાબેનના સાગા ભાણેજ સહિત પાંચ આરોપીઓને ઝડપી પાડી સમગ્ર કાવતરાનો પર્દાફાશ કર્યો છે. અંજાર-પૂર્વ કચ્છના DySP મુકેશ ચૌધરીએ સમગ્ર લૂંટકાંડ બાબતે ખુલાસો કરતા જણાવ્યું કે, આ કેસમાં એકબાદ એક કડીઓ ખુલ્લી હતી, જેમાં જાણવા મળ્યું કે ફરિયાદી એવા રેખાબેનના કાકાએ પોતાને બહાર ગામ જવાનું હોવાથી પોતાના 1.20 કરોડની રોકડ રકમ રેખાબેનના ઘરે સુરક્ષિત રાખવા આપી હતી. ફરિયાદી રેખાબેનને આ રૂપિયા સંદર્ભે ટેન્શન રહેતું હતું. તે વાત રેખાબેને તેમની બહેનને કરી હતી, ત્યારે તેમની બેનનો દીકરો પ્રશાંત માસીની વાત સાંભળી રહ્યો હતો.
પ્રશાંત કોઈ કામ ધંધો કરતો નથી ત્યારે આ વાત સાંભળી પ્રશાંતે આ રૂપિયાની લૂંટ કરવાનો પ્લાન બનાવ્યો. આ બાબતે પ્રશાંતે તેના મિત્ર અફઝલ ખાનને વાત કરી અને તેઓએ આ લૂંટ કરવા રેખાબેનના ઘર પાસે એક્ટીવા ઉપર રેકી કરી હતી. ત્યારબાદ આરોપીઓ અફઝલ ખાન અબ્દુલ રહીમ, સલીમ અબ્દુલ નાઈ, શાહબાન લતીફ ખલીફા, પ્રશાંત રાજેશ દ્રવિડ, તબરેઝ તસબુદીન આલમે લૂંટને અંજામ આપ્યો હતો.