નવીદિલ્હી
વર્લ્ડકપમાં ભારત-પાકિસ્તાનની મેચ હવે 15 ઑક્ટોબરની જગ્યાએ એક દિવસ પહેલાં મતલબ કે 14 ઑક્ટોબરે રમાશે. આ મેચની માત્ર તારીખ જ બદલાઈ છે પરંતુ મુકાબલો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ઉપર જ રમાશે. નવરાત્રીને ધ્યાનમાં રાખી બીસીસીઆઈએ આઈસીસીની સહમતિથી આ નિર્ણય લીધો છે. જો કે હજુ સુધી આ અંગેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
અહેવાલોની માનીયે તો ટૂર્નામેન્ટના કાર્યક્રમમાં અન્ય મોટા ફેરફાર થયા છે જેની જાહેરાત આજે સાંજ સુધીમાં કરી દેવામાં આવશે. જૂના કાર્યક્રમ પ્રમાણે 14 ઑક્ટોબરે ઈંગ્લેન્ડ-અફઘાનિસ્તાન અને ન્યુઝીલેન્ડ-બાંગ્લાદેશ વચ્ચે ડબલ હેડર મેચ રમાવાની હતી. 15 ઑક્ટોબરથી નવરાત્રી શરૂ થઈ રહી છે. અને તેમાં દેશ-વિદેશથી લોકો આવે છે. ભારત-પાકિસ્તાનની મેચમાં પણ કંઈક આવો જ માહોલ જોવા મળશે. આવામાં એક સાથે લાખો લોકોની સુરક્ષાને લઈને સિક્યોરિટી એજન્સીએ બીસીસીઆઈને પહેલાંથી જ ચેતવી દીધી હતી. જે પછી ભારતીય ક્રિકેટ બોર્ડ નવી તારીખો પર વિચાર-વિમર્શ કરી રહ્યું હતું.





