પૂર્ણેશ મોદીએ સુપ્રીમ કોર્ટમાં રજૂ કરેલા જવાબમાં કહ્યું કે, રાહુલ ગાંધીને રાહત આપવાનો કોઈ આધાર નથી તેમનું વર્તન અભિમાની છે તેમજ તેમણે એક વર્ગને અપમાનિત કર્યા પછી પણ માફી માંગવાની ના પાડી છે
મોદી સરનેમ માનહાનિ કેસમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની અરજી પર સુપ્રીમ કોર્ટમાં ફરિયાદી પૂર્ણેશ મોદીએ સોમવારે 31 જુલાઈએ પોતાનો જવાબ રજૂ કર્યો છે. ફરિયાદીએ રાહુલ ગાંધીની અરજીને ફગાવી દેવાની સુપ્રીમ કોર્ટને માંગ કરી છે. ગુજરાત હાઈકોર્ટના નિર્ણયને પડકારતાં રાહુલ ગાંધીએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. જેમાં દોષિત ઠરાવવા પર રોક લગાવવાની માંગ કરી છે. આ મામલે આગામી સુનાવણી 4 ઓગસ્ટે હાથ ધરવામાં આવશે.
ફરિયાદકર્તા પૂર્ણેશ મોદીએ સુપ્રીમ કોર્ટમાં રજૂ કરેલા જવાબમાં કહ્યું કે, રાહુલ ગાંધીને રાહત આપવાનો કોઈ આધાર નથી તેમનું વર્તન અભિમાની છે તેમજ તેમણે એક વર્ગને અપમાનિત કર્યા પછી પણ માફી માંગવાની ના પાડી છે. નીચલી અદાલતે આપેલી સજા બાદ પણ તે ઘમંડભર્યા નિવેદનો આપી રહ્યાં છે. માત્ર સંસદનું સભ્યપદ બચાવવા માટે દોષસિદ્દિ પર રોક લાગવવા માટે કોઈ આધાર નથી.
અગાઉ 21 જુલાઈના રોજ સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકાર અને ફરિયાદીને ગુજરાત હાઈકોર્ટના આદેશને પડકારતી રાહુલ ગાંધીની અપીલ પર જવાબ રજૂ કરવા કહ્યું હતું. જસ્ટિસ બી આર ગવઈ અને જસ્ટિસ પી કે મિશ્રાની બેંચે ગુજરાત સરકાર અને ફરિયાદી પૂર્ણેશ મોદીને નોટિસ પાઠવીને એફિડેવિટ દ્વારા જવાબ રજૂ કરવા માટે દસ દિવસનો સમય આપ્યો છે. કોર્ટે રાહુલની દોષિત ઠેરવવા પર સ્ટે સંબંધિત મામલાની સુનાવણી 4 ઓગસ્ટે નક્કી કરશે.





