વડોદરા
વડોદરામાં આર્થિક તંગીના લીધે સામૂહિક આપઘાતના બનાવમાં બેના મોત નીપજ્યા છે જ્યારે એકને બચાવી લેવાયા છે. સિક્યોરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા આધેડ સહિત પત્ની અને પુત્રએ આપઘાત કરી લેતા સનસનાટી મચી જવા પામી છે.
મળતી માહિતી મુજબ વડોદરા શહેરના પિરામિતર રોડની કાછિયા પોળ ખાતે ભાડાના મકાનમાં રહેતા પંચાલ પરિવારે સામૂહિક આત્મહત્યા કરી છે. આ કુટુંબે આર્થિક સંકડામણના લીધે આત્મહત્યા કરી હોવાનું મનાય છે. બચી ગયેલા મુકેશ પંચાલે જણાવ્યું હતું કે ઘરે ખાવાના પણ રૂપિયા નથી.
કુટુંબમાં પુત્ર મિતુલ પંચાલ ગળે ફાંસો ખાધેલી સ્થિતિમાં મળ્યો છે. જ્યારે માતા નયનાબેનનો મૃતદેહ ઘરેથી મળી આવ્યો છે. કુટુંબના મુખ્ય સભ્ય મુકેશ પંચાલે જાતે ઝેરી દવા ગટગટાવી તેના પછી દાઢી કરવાની બ્લેડ મારીને ઇજા કરી હોવાનું પોલીસે જણાવ્યું છે. તેમને ગંભીર સ્થિતિમાં સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. મુકેશ પંચાલ કાછીયા પોળમાં કુટુંબ સાથે ભાડાના મકાનમાં રહેતા હતા અને ખાનગી સિક્યોરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા હતા.



