હિમાચલ પ્રદેશમાં રેડ એલર્ટ વચ્ચે ભારે વરસાદ થયો છે. આ તરફ સોલન જિલ્લાના કંડાઘાટ ઉપ-વિભાગના મામલિગ ઉપ-તહેસીલના જાડોન ગામમાં વાદળ ફાટવાને કારણે બે ઘરો અને એક ગૌશાળા ધોવાઈ ગઇ છે. આ ઘટનામાં સાત લોકોના મોત થયા છે. અત્યાર સુધીમાં ચાર મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે. અન્યની શોધ ચાલુ છે.
જ્યાં આ વાદળ ફાટ્યું છે ત્યાં બંને બાજુથી રસ્તો તૂટી ગયો છે અને તેના કારણે રેસ્ક્યૂ ટીમને ઘટનાસ્થળે પહોંચવામાં મુશ્કેલી પડી રહી છે. જોકે રેસ્ક્યુ ટીમ પગપાળા જ ઘટનાસ્થળે પહોંચી હતી અને કાટમાળમાંથી ચાર મૃતદેહોને બહાર કાઢ્યા હતા. કાટમાળમાંથી એક નાની બાળકીનો મૃતદેહ પણ મળી આવ્યો છે. આ તમામ એક જ પરિવારના સભ્યો હોવાનું કહેવાય છે. સોલનમાં વાદળ ફાટવાથી સાત લોકોના મોત પર સીએમ સુખવિંદર સિંહ સુખુએ ટ્વિટર પર શોક વ્યક્ત કર્યો હતો. તેણે લખ્યું છે કે વાદળ ફાટવાના કારણે જાડો ગામમાં સાત લોકોના મોત થયા છે. અમે પ્રશાસનને તમામ શક્ય મદદ આપવાનો આદેશ આપ્યો છે. આ એક ખૂબ જ હૃદયદ્રાવક ઘટના છે અને તે ખૂબ જ મુશ્કેલ સમય છે.
ઉત્તર ભારતના પર્વતીય રાજ્યોમાં ભારે વરસાદ
આ તરફ ઉત્તર ભારતના પર્વતીય રાજ્યોમાં વાદળ ફાટવાથી વરસાદ થઈ રહ્યો છે. જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભારે વરસાદ ચાલુ છે. હિમાચલના ઘણા ભાગોમાં છેલ્લા બે દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે, જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ભારે વરસાદના કારણે ભૂસ્ખલનથી ડઝનબંધ રસ્તાઓ બંધ થઈ ગયા છે





