આઝાદીના 77માં દીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી દેશને એક જુસ્સાભેર સંબોધનમાં જણાવ્યું હતું કે પણ હું 2014માં પરિવર્તનનો સંદેશ લઈને આવ્યો હતો અને દેશના 140 કરોડ લોકોએ મારા પર ભરોસો કર્યો રીફોર્મ, પર્ફોર્મ અને ટ્રાન્સફોર્મનુ વચન વિશ્વાસમાં બદલાઈ ગયું અને મારા આ વચનો પણ વિશ્વાસમાં બદલાઈ ગયા છે.
વડાપ્રધાને આજે તેમના લાલ કિલ્લા પરના 10માં ઉદબોધનનો પ્રારંભ મેરે પ્રિય 140 કરોડ પરિવારજનથી કર્યો હતો અને એ પણ કહ્યું કે હું જયારે ફરી લાલ કિલ્લા પરથી ધ્વજવંદન કરાવવા આવીશ તો વધુ આત્મવિશ્વાસ સાથે આવીશ. મોદીએ તેમના બીજા સૌથી લાંબા લાલ કિલ્લા પરના વકતવ્યમાં એક તરફ આઝાદીના 76 વર્ષમાં દેશમાં જે પ્રગતિ થઈ છે તે બદલ દેશની જનતાને અભિનંદન આપ્યા હતા અને સાથોસાથ જણાવ્યું કે આઝાદીનો આ અમૃતકાળ હવે આપણા માટે કર્તવ્યકાળ બની રહેશે.
લાલ કિલ્લા પર રાષ્ટ્રધ્વજ લહેરાવ્યા બાદ મોદીએ પોતાના સંબોધનમાં 10 વર્ષની સરકારની કામગીરીનો હિસાબ આપ્યો હતો તો વડાપ્રધાને દેશને ત્રણ ગેરંટી પણ આપી હતી જેમાં આગામી પાંચ વર્ષમાં ભારત દુનિયાની સૌથી ત્રીજી મોટી આર્થિક શક્તિ બનશે તેવો સંકલ્પ કર્યો હતો. બીજી ગેરંટીમાં શહેરોમાં ભાડાના મકાનમાં રહેતા લોકો માટે બેન્ક ધિરાણમાં રાહત અપાશે તેવી જાહેરાત કરી હતી જયારે ત્રીજી ગેરંટીમાં દેશમાં 25 હજાર જન ઔષધી કેન્દ્રો ખોલવાની પણ વડાપ્રધાને ગેરંટી આપી હતી. તા.17 સપ્ટેમ્બરે વિશ્વકર્મા યોજનાનો પ્રારંભ કરવાની જાહેરાત કરી હતી.
વડાપ્રધાને તેમના પ્રવચનમાં મણીપુરનો પણ ઉલ્લેખ કર્યો હતો અને તેઓએ કહ્યું કે મણીપુરની મા-દીકરીઓના સન્માન સાથે જે ખીલવાડ થયો છે અને લોકોના જીવન ગયા છે પરંતુ છેલ્લા કેટલાક દિવસથી મણીપુરમાંથી સારા સમાચાર આવી રહ્યા છે અને દેશ મણીપુરના લોકોની સાથે છે તથા શાંતિ માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. મોદીએ તેમના પ્રવચનમાંસ્વતંત્રતા સેનાનીઓને શ્રદ્ધાંજલી આપી હતી તેમજ કુદરતી આફતોમાં જીવન ગુમાવનારને યાદ કરીને પણ તેમના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી.
મોદીએ કહ્યું કે દેશ 1000 વર્ષ સુધી અલગ અલગ રીતે ગુલામ રહ્યો અને દેશના વિરોએ એક પણ સમય કે એક પણ પ્રદેશને આઝાદી માટેની ઝંખનાથી અલગ રાખ્યો ન હતો અને તેથી જ આપણને આ મહામૂલ્ય આઝાદી મળી છે. મોદીએ કહ્યું કે આપણી પાસે ડેમોગ્રાફી, ડેમોક્રસી અને ડાયવર્સીટી એ ત્રણેય છે અને ત્રણેયને સાથે રાખીને દેશને મજબૂત બનાવવાની ક્ષમતા છે. તેમણે કહ્યું કે હું 1000 વર્ષની વાત એટલે કહી રહ્યો છું કે દેશની સામે એક અવસર છે. આપણે આ યુગમાં જે કરીશું તે 1000 વર્ષ સુધી દેશ આપણો આભારી રહેશે.
ત્રણ ગેરંટી આપતા વડાપ્રધાન
આગામી પાંચ વર્ષમાં ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનશે
શહેરોમાં ભાડાના મકાનમાં વસતા લોકોને ઘરના ઘર માટે ઉદાર ધિરાણની યોજના
દેશમાં સસ્તી દવાઓ ઉપલબ્ધ કરવા 25000 જનઔષધિ કેન્દ્રો ખોલવામાં આવશે
પ્રવચનના અંતમાં કવિતાથી વધાર્યો જુસ્સો
ચલતા, ચલાતા કાલચક્ર
અમૃતકાળ કા ભાલચક્ર
સબ કે સપને અપને સપને
પનસે સબકે સપને સારે
ધીર ચલે, વીર ચલે ચલે યુવા હમારે
નીતી સહી રીતી સહી
ગતિ સહિ રાહ સહિ
ચલો ચુનૌતી, સીના તાન
જગમે બઢાયે દેશ કા નામ






