તેલંગણા અને કેરળ જેવા રાજ્યોમાં સાઇબર ક્રાઇમની થયેલી ફરિયાદને આધારે સુરતની 27 જેટલી મોટી હીરા પેઢીઓના બેંક ખાતા પોલીસે બંધ કરાવી દીધા છે. જેને પગલે સુરતના વેપારીઓના કરોડો રૂપિયાના વ્યવહારો સ્થગિત થઇ ગયાં છે.
એક અહેવાલ અનુસાર સુરતના હીરા ઉદ્યોગના અગ્રણી અને જીજેઇપીસીના ડિરેક્ટર દિનેશ નાવડિયાએ જણાવ્યું છે કે તેલંગાણા, કેરળ જેવા રાજ્યોમાં સાઇબર ક્રાઇમની ફરિયાદને પગલે ત્યાંની સ્થાનિક પોલીસે સુરતના વેપારીઓના એ બેંક ખાતા કે જેમાંથી પગાર, ખર્ચા, ખરીદીના બિલો ચૂકવાય છે એવા એકાઉન્ટને રાતોરાત સ્થગિત કરી દીધા છે. જેને પગલે આ વેપારીઓના નાણાકીય વ્યવહારો અટવાયા છે અને તહેવારોના સમયગાળામાં તેમને મોટું નુકસાન વેઠવું પડે તેવી સ્થિતિ પેદા થઇ છે.
મીડિયા અહેવાલોમાં બહાર આવેલી વિગતો મુજબ તેલંગાણાની કોઈ એક વ્યક્તિએ ભૂલથી સુરતના વેપારીઓએ જે કંપની સાથે વ્યવહાર કર્યો હતો તે કંપનીના બેન્ક એકાઉન્ટમાં ભૂલથી પાંચ હજાર રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. આ વ્યક્તિએ પછી તેલંગાણા ક્રાઈમ ડીપાર્ટમેન્ટમાં ફરિયાદ નોંધાવી હતી કે તેની ભૂલથી તેલંગાણાની ડાયમંડ કંપનીના બેન્ક એકાઉન્ટમાં 5000 રૂપિયા ટ્રાન્સફર થઈ ગયા છે. જેને આધાર બનાવીને તેલંગાણાની ક્રાઈમ બ્રાન્ચની પોલીસે તે કંપનીના બેન્ક એકાઉન્ટને ફ્રીઝ કરી દીધા. જો કે કાર્યવાહીના ભાગરૂપે પોલીસે તે કંપનીએ જેટલા પણ વ્યવહારો કર્યા હતા તે વેપારીઓના ખાતા પણ ફ્રીઝ કરાવી દીધા છે. આથી સુરતના વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે.
આતંકવાદી ફંડિંગ અને બ્લેકમનીને કંટ્રોલ કરવા સરકારે બનાવેલા કાયદા મુજબ 25 લાખથી વધુના બેંક વ્યવહારો જો શંકાસ્પદ લાગે તો જે-તે સ્ટેટની ક્રાઇમ બ્રાંચ તે બેંક ખાતા ફ્રીઝ કરાવી શકે છે. જો કે આ કિસ્સામાં કાયદાનો દુરૂપયોગ થઇ રહ્યો હોવાની વેપારીઓ ફરિયાદ કરી રહ્યાં છે. ઉપરાંત વેપારીઓને બેંક કે ત્યાંની પોલીસ દ્વારા પણ કોઇ જાણ કરવામાં આવી ન હતી જેને કારણે વેપારીઓ વધુ રોષે ભરાયા છે.