PM મોદીની દક્ષિણ આફ્રિકાની મુલાકાતના સમાપન પછી, વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ X પર એક પોસ્ટમાં કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની દક્ષિણ આફ્રિકાની મુલાકાત ખૂબ જ ફળદાયી રહી. જેણે બ્રિક્સ યાત્રામાં એક નવો અધ્યાય શરૂ કર્યો. વડાપ્રધાન હવે એક મહત્વપૂર્ણ ભૂમધ્ય સાથી સાથે વાતચીત માટે ગ્રીસ જવા રવાના થશે.
ગ્રીસની મુલાકાતે PM મોદી તેમના સમકક્ષ કિરિયાકોસ મિત્સોટાકિસને મળશે. આ દરમિયાન બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ ગાઢ બનાવવાના માર્ગો પર ચર્ચા કરવામાં આવશે. તેઓ બંને દેશોના બિઝનેસ લીડર્સ તેમજ ભારતીય સમુદાય સાથે પણ વાતચીત કરશે, એમ નિવેદનમાં જણાવાયું છે. પીએમ મોદી 40 વર્ષમાં ગ્રીસની મુલાકાત લેનારા પ્રથમ ભારતીય પીએમ છે. આ પહેલા ભારતના તત્કાલિન વડાપ્રધાન ઈન્દિરા ગાંધી સપ્ટેમ્બર 1983માં ગ્રીસની મુલાકાતે ગયા હતા.
પીએમ મોદીએ X પર લખ્યું, મારી દક્ષિણ આફ્રિકાની મુલાકાત ઘણી ઉપયોગી રહી. બ્રિક્સ સમિટ ફળદાયી અને ઐતિહાસિક હતી. અમે આ પ્લેટફોર્મ પર નવા દેશોનું સ્વાગત કર્યું છે. અમે વૈશ્વિક સારા માટે સાથે મળીને કામ કરવાનું ચાલુ રાખીશું. હું રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસા, દક્ષિણ આફ્રિકાના લોકો અને સરકારનો તેમના આતિથ્ય માટે આભાર માનું છું.





