ભારતમાં આવતા અઠવાડિયે G-20 સમિટ યોજાવા જઈ રહી છે, જેમાં શી જિનપિંગ સહિત લગભગ 20 દેશોના રાષ્ટ્રાધ્યક્ષો સામેલ થવાના છે. તેમ છતાં ડ્રેગન હજુ પણ સુધરવાનું નામ લઈ રહ્યું નથી. ચીને આ સમિટ પહેલા સોમવારે તેનો નવો નકશો બહાર પાડ્યો છે. આ નકશામાં અરુણાચલ પ્રદેશ, અક્સાઈ ચીન ક્ષેત્ર, તાઈવાન અને વિવાદિત દક્ષિણ ચીન સાગરના ઘણા ટાપુઓને ચીનમાં દર્શાવવામાં આવ્યા છે. આ નકશાને લઈને ભારત તરફથી હજુ સુધી કોઈ ઔપચારિક પ્રતિક્રિયા સામે આવી નથી.
ચીનના સરકારી અખબારે એક્સ (અગાઉ ટ્વિટર) પર આ નકશો પોસ્ટ કરીને લખ્યું છે કે, ‘ચીનના સ્ટાન્ડર્ડ મેપનું 2023 વર્ઝન સોમવારે સત્તાવાર રીતે જાહેર કરી દેવામાં આવ્યું છે. પ્રાકૃતિક સંસાધન મંત્રાલયની માલિકીની સ્ટાન્ડર્ડ મેપ સેવાની વેબસાઇટ પર આ નકશો જાહેર કરવામાં આવ્યો છે. આ નકશો ચીન અને વિશ્વના વિવિધ દેશોની રાષ્ટ્રીય સીમાઓની રેખાંકન પદ્ધતિના આધારે તૈયાર કરવામાં આવ્યો છે.’
ચીનની આ અવરચંડાઈ ત્યારે સામે આવી છે, જ્યારે તાજેતરમાં જ દક્ષિણ આફ્રિકામાં યોજાયેલી બ્રિક્સ સમિટમાં પીએમ મોદી અને શી જિનપિંગની વચ્ચે મુલાકાત થઈ હતી. આ મુલાકાતમાં બંને દેશોએ સરહદ પર શાંતિ જાળવવા અને તણાવ ઘટાડવા માટે વિવિધ ઉપાયો અપનાવવા પર સહમતિ વ્યક્ત કરી હતી. પરંતુ ચીન પોતાની વાત પર એક સપ્તાહ સુધી પણ ન ટકી શક્યું અને પોતાની અસલી ઓકાત પર ઉતરી આવ્યું. તિબેટ પર કબજો જમાવી ચૂકેલા ચીનની નજર હવે અરુણાચલ પ્રદેશ પર છે, જેને તે દક્ષિણ તિબેટ કહે છે. આ સાથે તે લદ્દાખ પણ શિનજિયાંગ ક્ષેત્રનો ભાગ હોવાનો દાવો કરે છે. જોકે ભારતે દરેક વખતે તેના દાવાને સખત રીતે નકારી કાઢ્યો છે અને કહ્યું છે કે અરુણાચલ પ્રદેશ-લદ્દાખ ભારતનું અભિન્ન અંગ છે અને હંમેશા રહેશે.



