અમેરિકાના ફ્લોરિડામાં મોટું તોફાન દસ્તક આપી રહ્યું છે. ઇડાલિયા નામનું વાવાઝોડું 100 પ્રતિ કલાકની ઝડપે ફ્લોરિડા તટ તરફ આગળ વધી રહ્યું છે. આ તોફાન હવે કેટેગરી-2ના વાવાઝોડામાં ફેરવાઈને ખતરનાક સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. વાવાઝોડાની તીવ્રતાને જોતા વહીવટીતંત્ર દ્વારા દરિયાકાંઠાના વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પ્રશાસને દરિયાકિનારાની નજીક રહેતા લોકોને ભારે પવન અને પૂરના જોખમથી બચવા માટે આવશ્યક ચીજવસ્તુઓ સાથે સલામત સ્થળે સ્થળાંતર કરવા વિનંતી કરી છે.
અધિકારીઓએ સીડર ટાપુના રહેવાસીઓને ચેતવણી આપી છે કે ઇડાલિયાથી તોફાન ખૂબ વધારે ઘાતક હોઈ શકે છે. લગભગ 15 ફૂટ ઊંચા મોજા ઉછળવાની શક્યતા છે. વહીવટીતંત્રે અહીં રહેતા 900 પરિવારોને તોફાનથી બચવા માટે તેમના ઘર છોડીને સુરક્ષિત સ્થળો પર જવાની અપીલ કરી છે. વહીવટી અધિકારીઓએ જણાવ્યું હતું કે લોકોએ શક્ય તેટલી વહેલી તકે દરિયાકાંઠાના વિસ્તારો ખાલી કરવા જોઈએ અને સુરક્ષિત સ્થળોએ જવું જોઈએ.
તોફાનના કારણે પ્રશાસને દક્ષિણ કેરોલિનામાં ઈમરજન્સી જાહેર કરી દીધી છે. મિયામીમાં નેશનલ હરિકેન સેન્ટરના જણાવ્યા અનુસાર, દરિયાકાંઠે પહોંચતા પહેલા આ વાવાઝોડાની ઝડપ વધુ વધશે. હાલ વહીવટી તંત્ર કોઈપણ પ્રકારની આફતને પહોંચી વળવા માટે સંપૂર્ણ રીતે સતર્ક છે.




