ચંદ્રયાન 3 ની સફળતાએ સમગ્ર વિશ્વ ભારતની સતત પ્રશંસા કરી રહ્યું છે. આ મિશનની સફળતા આખી દુનિયા ભારતની ચાહક બની ગઈ છે. લુના 25ની નિષ્ફળતાથી નિરાશ રશિયા હવે ભારત સાથે અવકાશ ક્ષેત્રમાં વધુને વધુ સહયોગ ઈચ્છે છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને સોમવારે પીએમ મોદી સાથે ફોન પર વાત કરી હતી. પીએમઓના જણાવ્યા અનુસાર, ટેલિફોનિક વાતચીત દરમિયાન રાષ્ટ્રપતિ પુતિને નવી દિલ્હીમાં 9-10 સપ્ટેમ્બરે યોજાનારી જી-20 સમિટમાં હાજરી આપવા માટે અસમર્થતા વ્યક્ત કરી હતી અને વડાપ્રધાનને જણાવ્યું હતું કે મંત્રાલય દ્વારા બેઠકમાં રશિયાનું પ્રતિનિધિત્વ કરવામાં આવશે. રશિયાના વિદેશી બાબતોના મંત્રી સેરગેઈ લવરોવ કરશે.
આ દરમ્યાન પુતિને ચંદ્રયાન-3ની સફળતા માટે પીએમ મોદીને ફરીથી એક વખત શુભકામના પાઠવી હતી. રશિયન રાષ્ટ્રપતિ કાર્યાલય અનુસાર બન્ને દેશો વચ્ચે અંતરિક્ષ સહયોગને મજબૂત કરવા પર પણ સહમતિ બની હતી. ક્રેમલિને તેના નિવેદનમાં કહ્યું કે રાષ્ટ્રપતિ પુતિને ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ચંદ્રયાન-3ના સફળ ઉતરાણ માટે ફરી એકવાર ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા છે. આ દરમિયાન, અવકાશ ક્ષેત્રમાં દ્વિપક્ષીય સહયોગને વધુ વિકસિત કરવાની તૈયારીની પુષ્ટિ કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે રશિયા પોતાના સ્પેસ પ્રોગ્રામ માટે મોટાભાગે ચીન પર નિર્ભર છે. જોકે હવે રશિયા ભારતનો સહયોગ ઈચ્છે છે. રશિયા અવકાશમાં ભારતના પ્રથમ માનવ મિશન ગગનયાનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે. તેને 2024ના ચોથા ક્વાર્ટરમાં લોન્ચ કરવાનું લક્ષ્ય છે.
રશિયાની સ્પેસ એજન્સી રોસકોસમોસ અને ઈસરો વચ્ચે કરાર
રશિયાની સ્પેસ એજન્સી રોસકોસમોસ અને ઈસરોએ સહયોગ અંગેના કરાર પર હસ્તાક્ષર કર્યા છે. તે પ્રક્ષેપણ વાહનોના વિકાસ, વિવિધ કાર્યો માટે અવકાશયાનનું ઉત્પાદન અને ઉપયોગ, જમીન-આધારિત અવકાશ માળખાં તેમજ ગ્રહોની શોધખોળ સહિતના શાંતિપૂર્ણ હેતુઓ માટે ભારત અને રશિયાની સંપૂર્ણ ક્ષમતાનો ઉપયોગ કરવા માટે ભાગીદારી વિકસાવવાનો હેતુ ધરાવે છે.