ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાને લઇને ભારત પર કેનેડાના આરોપોને ચિંતાજનક ગણાવતા અમેરિકાના વિદેશ વિભાગે ભારતને તપાસમાં સહયોગ કરવાનો આગ્રહ કરતા પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. વિદેશ વિભાગના પ્રવક્તા મેથ્યૂ મિલરે કહ્યું કે પૂર્ણ અને નિષ્પક્ષ તપાસની જરૂર છે.
વિદેશ વિભાગની બ્રીફિંગ દરમિયાન મેથ્યૂ મિલરે કહ્યું, “અમે વડાપ્રધાન ટ્રુડોના આરોપો પર ધ્યાન આપ્યું અને અમે તેનાથી ઘણા ચિંતિંત છીએ. આ એટલા ચિંતાજનક આરોપ છે કે અમને લાગે છે કે તેમની પૂર્ણ અને નિષ્પક્ષ તપાસ થવી જોઇએ. કેનેડાએ કહ્યું કે તે આમ કરવા માટે કટિબદ્ધ છે.”
મિલરે કહ્યું, “અમારૂ માનવું છે કે ભારત સરકારે તેમાં સહયોગ કરવો જોઇએ. હું કાયદાકીય ઘટનાઓ પર ટિપ્પણી કરવા નથી જઇ રહ્યો.” ભારત-કેનેડાના સંબંધો અને અમેરિકા-ભારત સંબંધો પર તેના પ્રભાવ વિશે પૂછવામાં આવતા મિલરે કહ્યું કે ભારત-અમેરિકા માટે એક મહત્ત્વપૂર્ણ ભાગીદાર બનેલું છે પરંતું આ કેસમાં વોશિંગ્ટન નવી દિલ્હીને કેનેડાની તપાસમાં સહયોગ કરવાનો આગ્રહ કરી રહ્યું છે. મિલરે કહ્યું કે અમે સ્પષ્ટ રીતે કેનેડાની સ્થિતિ વિશે ચિંતિંત છીએ. અમે કેનેડાના સમકક્ષો સાથે સહયોગ કર્યો છે. અમે ભારતને તે તપાસમાં સહયોગ કરવાનો આગ્રહ કર્યો છે.
તાજેતરમાં અમેરિકન વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને કહ્યું હતું કે વોશિંગ્ટન કેનેડિયન આરોપો પર ચિંતિંત છીએ, તેમણે કહ્યું કે અમેરિકા જવાબદારી જોવા માંગે છે અને તપાસ એજન્સી પોતાનું કામ કરે અને તેને પરિણામ તરફ લઇ જાય. ન્યૂયોર્કમાં એક પ્રેસ કૉન્ફરન્સને સંબોધતા બ્લિંકને કહ્યું કે અમેરિકાએ સીધી રીતે ભારત સરકાર સાથે વાતચીત કરી છે. બ્લિંકને કહ્યું કે અમેરિકા કેનેડા સાથે ચર્ચા કરી રહ્યું છે.






