મોંઘવારીનો માર સહન કરતા સામાન્ય લોકો તથા તેને કાબુમાં લેવા માટે સરકારના પ્રયાસો વચ્ચે સરકાર માટે વધુ એક પડકાર ઉભો થઇ શકે તેમ હોય એમ ક્રુડતેલનો ભાવ 97 ડોલરને વટાવી ગયો છે તેને બદલે પેટ્રોલ-ડિઝલના મોરચે નવી ઉપાધી સર્જાઇ શકે છે. વિશ્વ બજારમાં ક્રુડતેલનો ભાવ ઇન્ટ્રા ડે 97 ડોલરને પાર થઇ ગયો હતો જયારે ડબલ્યુટીઆઇ ક્રુડતેલ 93.54 ડોલર પહોંચ્યુ હતું. ચાલુ વર્ષનો આ સૌથી ઉંચો ભાવ થયો છે.
નિષ્ણાંતોના કહેવા પ્રમાણે ઓપેક દ્વારા ઉત્પાદન કાપ લંબાવવામાં આવ્યો છે. સાથોસાથ અમેરિકાના ક્રુડ સ્ટોકમાં ધાર્યા કરતા વધુ ઘટાડો હોવાના રીપોર્ટના પગલે માનસ તેજીનું બન્યું હતું. વૈશ્વિક ક્રુડ સળગવાના પગલે અને એક જ દિવસમાં 3 ડોલર જેટલું ઉંચકાઇ જતા ભારતમાં ક્રુડતેલનો ઓકટોબર વાયદો 3.49% ઉંચકાયો હતો અને 7801ના સ્તરે પહોંચી ગયો હતો.
જાણકારોના કહેવા પ્રમાણે છેલ્લા કેટલાક દિવસોથી રશિયાથી ડિઝલ શીપમેન્ટ ધીમા પડયા છે. વિશ્વસ્તરે ક્રુડતેલ મોંઘુ થયું છે. આ સંજોગોમાં ભારત સરકાર માટે નવો પડકાર ઉભો થઇ શકે છે. મોંઘવારી ડામવા સરકાર કેટલાક કદમ ઉઠાવી જ રહી છે. પેટ્રોલ-ડિઝલ પર દબાણ વધી શકે છે. પેેટ્રોલિયમ કંપનીઓને બોજો વધશે. આગામી મહિનાઓ ચૂંટણીના છે અને તે સંજોગોમાં સરકાર પેટ્રોલ-ડિઝલમાં ભાવ વધારો લાગુ કરી શકે છે તેમ નથી. પેટ્રોલ-ડિઝલ મોંઘુ થવાના સંજોગોમાં મોંઘવારી પર બોજ આવી શકે છે અને ચૂંટણી વખતે સરકારને તે પોષાય તેમ નથી






