મદ્રાસ હાઈકોર્ટે 31 વર્ષ જૂના કેસમાં 18 આદિવાસી મહિલાઓને ન્યાય આપતા પોતાનો ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટે શુક્રવારે 269 સરકારી અધિકારીઓને દોષિત ઠેરવવાની પુષ્ટિ કરી હતી, જેમણે તમિલનાડુના ધર્મપુરી જિલ્લાના વાચથી આદિવાસી ગામમાં ચંદનના દાણચોરોની શોધમાં દરોડા પાડ્યા હતા અને આ બહાના હેઠળ ત્યાંની મહિલાઓ પર નિર્દયતા કરી હતી. આ કેસ હેઠળ, 17 આરોપીઓને 18 મહિલાઓ પર બળાત્કારના દોષી ઠેરવવામાં આવ્યા હતા. જેમાંથી એક મહિલા તે સમયે આઠ મહિનાની ગર્ભવતી હતી અને બીજી 13 વર્ષની સગીર હતી.
ટ્રાયલ દરમિયાન 50થી વધુ આરોપીઓના મોત પણ થયા છે. બાકીનાને 2011માં સેશન્સ કોર્ટે 1 થી 10 વર્ષની જેલની સજા ફટકારી હતી. મદ્રાસ હાઈકોર્ટે તમામ દોષિતોને ઉલ્લેખીને કહ્યું, “સાચા તસ્કરોને બચાવવા માટે, સત્તાવાળાઓ દ્વારા એક કાવતરું ઘડવામાં આવ્યું હતું. એક મોટા પાયે નાટક રચવામાં આવ્યું હતું જેમાં નિર્દોષ આદિવાસી મહિલાઓ ભોગ બની હતી. અને તેમને પીડા અને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. તેમને વળતર તરીકે પૈસા આપવામાં આવ્યા હતા. પરંતુ હકીકતમાં તેમને નોકરીના રૂપમાં વળતર મળવું જોઈતું હતું.
જસ્ટિસ પી વેલમુરુગને, 2016 માં ડિવિઝન બેંચના આદેશ અનુસાર, તમિલનાડુ સરકારને 18 મહિલાઓમાંથી પ્રત્યેકને 10 લાખ રૂપિયાનું વળતર તાત્કાલિક આપવા અને બળાત્કારના આરોપીઓ પાસેથી 50% રકમ વસૂલવાનો આદેશ પણ આપ્યો હતો. રાજ્યને 18 મહિલાઓ અથવા તેમના પરિવારના સભ્યોને યોગ્ય સ્વ-રોજગાર અથવા કાયમી નોકરી આપવાનો પણ નિર્દેશ આપવામાં આવ્યો હતો.
ન્યાયમૂર્તિ વેલમુરુગને તત્કાલીન જિલ્લા કલેક્ટર, પોલીસ અધિક્ષક અને તમિલનાડુના જિલ્લા વન અધિકારી સામે કડક કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો હતો જેઓ ગુના સામે પગલાં લેવામાં નિષ્ફળ ગયા હતા. તેમણે કહ્યું કે સાક્ષીઓના પુરાવાઓથી સ્પષ્ટ છે કે સાચા ગુનેગારો કોણ હતા, પરંતુ તેઓએ તેમની સામે કોઈ પગલાં લીધા ન હતા અને સાચા ગુનેગારોને બચાવવા માટે નિર્દોષ ગ્રામજનોને ત્રાસ આપવામાં આવ્યો હતો.






