અમદાવાદ સાયબર યુનિટે પાર્ટી ડ્રગ્સ ઓનલાઈન ઓર્ડર કરવાના આંતરરાષ્ટ્રીય રેકેટનો પર્દાફાશ કર્યો છે. અમેરિકા, કેનેડા અને ફુકેતમાં બેઠેલા આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ માફિયા દેશના અલગ અલગ ભાગોમાં નવી જ મોડસ ઓપરન્ડી દ્વારા ડ્રગ્સ મોકલતા હોવાનુ કૌભાંડ ઝડપી પાડવામાં આવ્યું છે. આ ડ્રગ્સ આંતરરાષ્ટ્રીય કુરિયર કંપની મારફતે પુસ્તકો અને રમકડાની આડમાં મંગાવવામાં આવતુ હતુ. જો કે, આની મોડસ ઓપરેન્ડી એકદમ નવી અને હેરાન કરનારી છે. આ ડ્રગ્સ પુસ્તકોનાં પાનામાં મોકલવામાં આવતું હતુ.
અમદાવાદ સાયબર યુનિટ અને કસ્ટમ વિભાગે મોટી માત્રામાં આવી પુસ્તકો અને રમકડા પકડી પાડ્યા છે. હાલ આ ટીમ દ્વારા ડ્રગ્સ પેડલર્સ અને ખરીદનારાઓને ટ્રેસ કરી લેવાયા છે. આ અંગે હાલ મળતી માહિતી પ્રમાણે, આ ડ્રગ્સને પુસ્તકોના પાનાને ડ્રગ્સમાં પલાળીને રાખવામાં આવે છે. જે બાદ આ પુસ્તકોની ડિલીવરી કરવામાં આવે છે. ડ્રગ્સના ઉપયોગ માટે આ પુસ્તકોનાં પાનને ફાડિને તેને ક્રશ કરીને તેનો ડ્રગ્સના ફોર્મમાં ઉપયોગ કરવામાં આવતો હતો.
માહિતી એવી પણ મળી રહી છે કે, માત્ર પુસ્તકોના પાનામાં જ નહીં તેના હાર્ડ કવરમાં પણ પાર્ટી ડ્રગ્સ મંગાવવામાં આવી રહ્યુ હતુ. આ પુસ્તકો અને રમકડાને આંતરરાષ્ટ્રીય કુરિયર કંપનીના ગોડાઉન છે તેમાંથી પકડવામાં આવ્યા છે. આ સાથે સાયબર યુનિટ પાસે જે લોકોએ આ પુસ્તકો અને રમકડાં વિદેશોથી મંગાવ્યા છે તેમની માહિતી પણ ટ્રેસ કરી લેવામાં આવી છે. આવનારા સમયમાં આ રેકેટ સાથે સંકળાયેલા પેડલરો અને આ પુસ્તકો રમકડાં મંગાવનારાઓની પણ ધરપકડ થઇ શકે છે. આ ડાર્ક વેબનું જે ષડયંત્ર ચાલી રહ્યુ હતુ તેનું પેમેન્ટ ક્રિપ્ટો કરન્સી અને ક્રેડિટ કાર્ડથી કરવામાં આવતું હતુ.





