વર્લ્ડ કપ 2023ની 9મી મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે રમાઈ હતી. આ મેચમાં ભારતે 8 વિકેટે મોટી જીત નોંધાવી હતી. રોહિત શર્માએ સુકાની ઈનિંગ્સ રમીને શાનદાર 131 રન બનાવ્યા હતા. આ સદી સાથે તેણે ઘણા રેકોર્ડ પોતાના નામે કર્યા. તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ સિક્સર મારવાનો ક્રિસ ગેલ (553)નો વર્લ્ડ રેકોર્ડ તોડી નાખ્યો.હવે રોહિત (556) નંબર વન પર આવી ગયો છે. આ સાથે તેણે 3 ખૂબ જ ખાસ રેકોર્ડ પણ પોતાના નામે કર્યા.
રોહિત શર્માએ આ મેચમાં 131 રનની શાનદાર સદીની ઈનિંગ રમીને ટીમની જીતનો પાયો નાખ્યો હતો. રોહિતે 84 બોલનો સામનો કરીને 5 સિક્સર અને 16 ફોર ફટકારી હતી. આ ઈનિંગ સાથે તે ભારત માટે વર્લ્ડ કપના ઇતિહાસમાં રનનો પીછો કરતી વખતે સૌથી મોટી ઇનિંગ રમનાર બેટ્સમેન બની ગયો છે. આ પહેલા આ રેકોર્ડ મહાન બેટ્સમેન સચિન તેંડુલકર (127*)ના નામે હતો.
આ ઇનિંગ સાથે રોહિતે વર્લ્ડ કપમાં રનનો પીછો કરતી વખતે સૌથી વધુ સદી ફટકારી છે. તેમણે અત્યાર સુધીમાં 3 સદી ફટકારી છે. આ મામલે તે વિશ્વનો એકમાત્ર બેટ્સમેન છે. આ પછી પાકિસ્તાનના રમીઝ રાજા, વેસ્ટ ઈન્ડિઝના ગોર્ડન ગ્રીનિજ અને ન્યૂઝીલેન્ડના દિગ્ગજ સ્ટીફન ફ્લેમિંગનો 2 સદી સાથે સમાવેશ થાય છે.
રોહિતે પોતાની ઇનિંગની પ્રથમ 10 ઓવરમાં 76 રન ઉમેર્યા હતા. આ સાથે તે વર્લ્ડ કપમાં એક ઇનિંગ્સની પ્રથમ 10 ઓવરમાં સૌથી વધુ રન બનાવનાર બીજો બેટ્સમેન બની ગયો છે. આ યાદીમાં ટોચ પર ન્યુઝીલેન્ડનો બ્રેન્ડન મેક્કુલમ છે જેણે વેલિંગ્ટનમાં 2015 વર્લ્ડ કપ દરમિયાન ઈંગ્લેન્ડ સામે 77 રન બનાવ્યા હતા.