મોટી સંખ્યામાં માઇભક્તો માતાજીનાં દર્શન અને આરાધના કરવા માટે નવરાત્રિના પાવન દિવસોમાં અંબાજી આવે છે. નવરાત્રિ દરમિયાન રાત્રે અંબાજી મંદિરમાં દર વર્ષે ચાચર ચોકમાં ગરબા પણ યોજતા હોય છે. નવ દિવસ અલગ અલગ કલાકારો દ્વારા ગરબાની રમઝટ જામતી હોય છે. તો અંબાજીમાં ગ્રામજનો અને દૂરથી આવેલા ભક્તો પણ ગરબામાં ઝૂમી ઊઠતા હોય છે. આ વખતે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા એક પરિપત્ર બહાર પાડી નવરાત્રિના ગરબામાં મહિલાઓ અને પુરુષો અલગ અલગ ગરબા રમશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે.
ઇતિહાસમાં પ્રથમવાર આવા નિયમો અંબાજી મંદિર ટ્રસ્ટે બનાવ્યા છે. ગરબા દરમિયાન પુરુષો અને મહિલાઓને અલગ અલગ જગ્યાએથી એન્ટ્રી મળશે. તો સાથે સાથે એન્ટ્રી તો ઠીક પરંતુ પુરુષ અને મહિલા સાથે ગરબા પણ રમી શકશે નહીં. મહિલા ચાચર ચોકમાં તો પુરુષોને શક્તિદ્વારથી લઈને પિત્તળ ગેટ સુધી નવરાત્રિ દરમિયાન ગરબા રમવા પડશે. આ નિયમોને લઇ મંદિર ફરીથી યાત્રિકો અને ગ્રામજનોમાં ચર્ચામાં આવ્યું છે. આ નિયમોને લઇ એક પરિવારને સાથે ગરબા રમવું અસંભવ થયું છે. પતિ-પત્ની પણ અંબાજી મંદિરમાં અલગ અલગ નવરાત્રિના ગરબામાં એન્ટ્રી કરી અલગ અલગ ગરબા રમશે. આવા અંતરંગી નિયમો અંબાજી મંદિરમાં પહેલીવાર જોવા મળ્યા છે.