હાલમાં નાની ઉમરમાં હૃદય રોગના હુમલાનું પ્રમાણ વધ્યું છે, ત્યારે પાવાગઢ ખાતે આવતા દર્શનાર્થીઓમાં પણ તેની અસર જોવા મળી રહી છે. નવરાત્રી દરમિયાન પાવાગઢ ખાતે રોજના ત્રણ લાખ જેટલા દર્શનાર્થીઓની ભીડ જોવા મળે છે. દર્શનાર્થીઓની ભારે ભીડમાં હૃદય રોગના દર્દીઓની હાલત કફોડી બનતી હોવાનું જોવા મળી રહ્યું છે. પાવાગઢ મંદિર ખાતે આ વર્ષથી તાત્કાલિક સારવાર વિભાગ શરુ કરવામાં આવ્યો છે. ઊંચાઈ ઉપર હવા પાતળી હોવાથી તેમજ ભીડ અને ગરમીને કારણે હૃદય રોગના દર્દીઓને જોખમ ઉભું થાય છે. તેવા સંજોગોમાં તાત્કાલિક સારવાર આપી શકાય અને દર્દીના જીવ ઉપર જોખમ ના આવે તે માટે આ સેવા શરુ કરવામાં આવી છે.
પાવાગઢ ખાતે દર્શન કરવા માટે ઊંચાઈ ઉપર ચઢવાનું હોવાથી, ગરમી અને ભારે ભીડને કારણે હૃદય રોગના દર્દીઓ ઉપર જોખમ બમણું થઇ જાય છે. નવરાત્રીના પ્રથમ બે દિવસ દરમ્યાન જ પાવાગઢ ખાતે આવેલા દર્શનાર્થીઓ પૈકી 145 લોકોને સારવાર આપવાની જરૂર પડી હતી. જેથી ડોક્ટરો દ્વારા હૃદય રોગના દર્દીઓ અથવા જેઓમાં ફિટનેસ ઓછી છે તેવા લોકોને પાવાગઢ ખાતે ભીડમાં દર્શન માટે નહીં આવવા વિનંતી કરી છે. નવરાત્રીના પ્રથમ દિવસે 75 લોકોને તાત્કાલિક સારવાર આપવાની જરૂર પડી હતી, બીજા દિવસે 70 દર્શનાર્થીઓને સારવાર આપવાની ફરજ પડી હતી. જેથી ત્યાં ફરજ ઉપરના ડોક્ટરો દ્વારા અપીલ કરવામાં આવી છે કે હૃદય નબળું હોય અથવા કેલેસ્ટ્રોલ કે બ્લડ પ્રેશરની તકલીફ હોય તેવા લોકોએ હાલમાં પાવાગઢ ખાતે દર્શન કરવા ભારે ભીડમાં આવવું ટાળવું. અથવા જો આવવાનું થાય તો હાલમાં ચાલી રહેલી દવાના કાગળ સાથે રાખવા.




