ઉમરાળા તાલુકાના રંઘોળા ગામ નજીકથી ઉમરાળા પોલીસે ૧૮ હજાર લીટર જ્વલનશીલ પ્રવાહી ભરેલા ટેન્કર સાથે ટેન્કરના ચાલકની અટક કરી રૂ. ૧૯ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ જ્વલનશીલ પ્રવાહી મંગાવનાર રતનપરના શખ્સ વિરુદ્ધ પણ ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
ઉમરાળા પોલીસ સ્ટાફ નાઈટ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન વહેલી સવારે ૪ઃ૩૦ કલાકે રંઘોળા ગામ નજીક પસાર થઈ રહેલા એક ટેન્કરને અટકાવી તપાસ કરતા ટેન્કરની અંદર ૧૮ હજાર લીટર જ્વલનશીલ પ્રવાહી ભરેલું હોય અને આ પ્રવાહી અંગેનું કોઈ બિલ કે આધાર તેમજ ફાયર સેફટીના તેના પૂરતા સાધનો ન હોય ઉમરાળા પોલીસે જ્વલનશીલ પ્રવાહી અને ટેન્કર મળી કુલ રૂપિયા ૧૯ લાખના મુદ્દામાલ સાથે વિપુલભાઈ ગીલાભાઈ ડાંગર રહે. નેસાડા તા. સિહોરની અટક કરી હતી. આ જવલનશીલ પ્રવાહી ઉમરાળા તાલુકાના રતનપર ગામમાં રહેતા કાનભા મહિપાલસિંહ ગોહિલે મંગાવેલ હોવાનું ટેન્કરના ચાલકે જણાવતા ઉમરાળા પોલીસે બંને ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.